અમરસિંઘને ભાજપમાં જોડાવાનો છોછ નથી : મોદી-ભાગવતની પ્રશંસા કરી

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા અમરસિંઘે કહ્યું છે કે, તેઓ ભાજપમાં જોડાવાની વાતને ટાળતા નથી તેમ છતાં તેમણે કહ્યું કે, પક્ષ તરફથી તેમને આવું કોઈ આમંત્રણ મળ્યું નથી. પત્રકારો સમક્ષ બોલતા અમરસિંઘે કહ્યું કે ભાજપ એક મોટી રાજકીય પાર્ટી છે. હું કહી ન શકું કે તક મળે તો હું ભાજપમાં જોડાવાનો નથી. પરંતુ મને કોણ તક આપશે. મેં તે માટે પક્ષને કોઈ મહેરબાની કરવાનો પત્ર મોકલ્યો નથી. વડાપ્રધાન મોદી પર પ્રશંસાની ઈર્ષા કરતાં અમરસિંઘે કહ્યું કે વડાપ્રધાન મોદીની સાદગીથી હું પ્રભાવિત છું. તેઓનો પરિવાર પણ સાદગીમાં રહે છે. માતા અને પરિવારજનો સામાન્ય માણસની માફક જીવે છે અને સરકારી હોસ્પિટલમાં સારવાર કરાવે છે. કોંગ્રેસ સાંસદના વિશેષ સત્રથી દૂર રહી કારણ કે મોદી સરકાર નવી ટેક્ષનીતિ જીએસટી લાગુ કરવાની જાહેરાત કરવાની હતી. અમરસિંઘે જદયુના બાગી નેતા શરદ યાદવને પણ પોતાની ઝપટમાં લેતાં કહ્યું કે, જ્યારે ભાજપની વાજપેયી સરકાર સમયે એનડીએના કન્વીનર પદે શરદ યાદવ હતા ત્યારે તેઓને દેશમાં કોઈ કોમી તનાવ જેવું વાતાવરણ લાગતું ન હતું. હવે તેઓ સંયુક્ત સંસ્કૃતિ બચાવો આંદોલન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, કોમવાદ અને બિનસાંપ્રદાયિકવાદ વર્તમાન રાજકીય સ્થિતિમાં મજાક બની ગયા છે. બાબરી મસ્જિદ કેસમાં સુપ્રીમકોર્ટના ચુકાદાને આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે સ્વીકારવાની દર્શાવેલ કટિબદ્ધતાના વખાણ કરતાં અમરસિંઘે તેને બિનસાંપ્રદાયિક નિવેદન ગણાવ્યું હતું. આ પહેલીવાર અમરસિંઘે મોદીના જાહેરમાં વખાણ કર્યા નથી પરંતુ નોટબંધી સમયે પણ વડાપ્રધાનના કદમને હિંમતભર્યું પગલું ગણાવ્યું હતું અને દેશના વડાપ્રધાન તરીકે મોદી માટે તેમને ગૌરવ છે. તેમણે મોદીને ભગવાન કૃષ્ણ સાથે સરખાવ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks