અમદાવાદ, તા. ર૧
અમદાવાદમાં ચોમાસામાં વરસાદ પડવાની શરૂઆત થતા જ રસ્તાઓમાં ભૂવા પડવાનું પણ શરૂં થઇ જાય છે. ચાલુ સિઝનમાં અમદાવાદ શહેરમાં ૫૯ ભુવા પડ્યા છે. જો કે, એએમસી ઇજનેર વિભાગ દ્વારા એક પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૦ વર્ષ જૂની લાઇન હોવાથી ભૂવા પડવાની શક્યતા છે અને ૩૦ વર્ષ જૂની લાઇનમાં ચાલુ વર્ષે ૧૮ ભૂવા પડ્યા હોવાનું જણાવ્યું હતું. અમદાવાદના રસ્તાઓ ઉપર પડતા ભૂવા અંગે એએમસી કમિશનર વિજય નહેરાએ વર્ષો જૂની ડ્રેનેજ લાઇન ભૂવા પડવાનું મુખ્ય કારણ છે.એએમસી કમિશનર વિજય નહેરાએ જણાવ્યું હતું કે, ૨૦ વર્ષ જૂની લાઇન હોવાથી ભૂવા પડવાની શક્યાત રહેલી છે. જો કે, આ અંગે એએમસી આયોજન કરશે. નવી લાઇનો નંખાશે, ડ્રેનેજ લાઇન નાખનાર એજન્સી જવાબદારી નક્કી કરશે. સાથે સાથે તેમણે જણાવ્યું હતું કે, શહેરમાં ડ્રેનેજની ૪૦ વર્ષ જૂની ૪૨ કિ.મી. લાંબી ૧૨ ડાયામીટરની લાઇન છે. જો કે, હવે તેના પર આયોજન બદ્ધ રીતે કામ કરવામાં આવશે.એએમસી ઇજનેર વિભાગ દ્વારા આજે અમદાવાદના રસ્તાઓ ઉપર પડતા ભૂવાઓ અંગે પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. જેમાં અધિકારીએ એમએમસી કમિશનર વિજય નહેરા સામે પ્રેઝન્ટેશન કરતા દર્શાવ્યું હતું કે, અમદાવાદ ચાલુ સિઝનમાં ૫૯ ભૂવાઓ પડ્યા છે. તો છેલ્લા ૬ વર્ષમાં ૪૫૭ ભૂવા પડ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ૩૦ વર્ષ જૂની લાઇનમાં ચાલુ વર્ષે ૧૮ ભૂવા પડ્યા છે જો કે, ૧૦ વર્ષ જૂની એક પણ લાઇનમાં ભૂવો પડ્યો નથી. એટલે કે, વર્ષો જૂની ડ્રેનેજ લાઇન ભૂવા પડવાનું કારણ છે.ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ નારણપુરા પલ્લવ ચાર રસ્તા પાસે જ રોડમાં અચાનક ભૂવો પડી જતાં ચાલુ કાર ફસાઇ હતી. જો કે, આ ઘટનામાં કોઇ જાનહાની પહોંચી નહોતી. સાથે-સાથે અમદાવાદમાં ચોમાસાની સિઝનમાં નાના મોટા ૫૯ ભૂવા પડ્યા છે.