અમદાવાદના બિલ્ડરે પત્ની અને બે પુત્રીઓને ઊંઘમાં જ ઠાર માર્યા

બોડકદેવ જજીસ બંગલો વિસ્તારના રત્નમ ટાવરના ર૦ર નંબરમાં રહેતા બિલ્ડર ધર્મેશ શાહે તેમની પત્ની અને બે પુત્રીઓની હત્યા કરી હતી. તસવીરમાં રત્નમ ટાવર અને ઈન્સેટમાં ર૦ર નંબરના ફલેટને કોર્ડન કરી તપાસ કરતી પોલીસ દૃશ્યમાન થાય છે જ્યારે બીજી તસવીર ખુશહાલ પરિવારની ફાઈલ તસવીર છે જેમાં બિલ્ડર ધર્મેશ શાહ, તેમની પત્ની અમી અને બે પુત્રીઓ હેલી અને દીક્ષા ખુશખુશાલ હાલતમાં જણાઈ રહ્યા છે.

 

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૨૨
અમદાવાદ શહેરના બોડકદેવ જજીસ બંગલો વિસ્તારમાં આજે વહેલી સવારે ખેલાયેલા ખૂની હત્યાકાંડથી શહેરભરમાં હાહાકાર મચી ગયો છે. દેવું વધી જતા બિલ્ડરે તેની પત્નીની ઊંઘમાં જ ગોળી મારી હત્યા કર્યા બાદ પોતાની બે પુત્રીઓને ગોળી ધરબી પતાવી દીધી હતી. ત્યારબાદ બિલ્ડરે પોતે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્રણ-ત્રણ હત્યા બાદ હિંમત હારી જતાં આત્મહત્યાનો વિચાર પડતો મૂકી પોલીસને જાણ અને તેમના સંબંધીઓને ફોન કરી જાણ કરી હતી. બનાવની પ્રાપ્ત વિગત અનુસાર બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા અને જજીસ બંગલો વિસ્તારમાં રત્નમ ફલેટના ર૦ર નં.માં રહેતા બિલ્ડર ધર્મેશ શાહને દેવું ખૂબ વધી જતાં ઘરમાં અવાર-નવાર કંકાસ ચાલતો હતો. પોતાની પર ચઢી ગયેલા ૧પ કરોડ રૂપિયાથી વધુના દેવાના કારણે ધર્મેશ શાહ તેમની પુત્રીને વિદેશ ભણવા જવાની ઈચ્છા પૂર્ણ કરી શકતા ન હતા. આથી તેઓ સતત તણાવમાં રહેતા હતા. દરમિયાન બિલ્ડર ધર્મેશ શાહ તેમની પત્ની અમી અને બંને પુત્રીઓ હેલી અને દીક્ષા નિંદ્રા માણી રહ્યા હતા. દરમિયાન વહેલી પરોઢે ધર્મેશ શાહે ઉઠી પોતાની લાયસન્સવાળી રિવોલ્વર કાઢી પ્રથમ તેમની પત્નીને ગોળી ધરબી મોતને ઘાટ ઉતારી દીધી હતી ત્યારબાદ તેઓ તેમની પુત્રીઓના રૂમમાં ગયા હતા જ્યાં પ્રથમ મોટી પુત્રી દીક્ષા અને ત્યારબાદ હેલીને હાથમાં અને છાતીમાં ગોળી મારી હત્યા કરી હતી. ત્રણેની હત્યા બાદ ધર્મેશ શાહ પોતે આત્મહત્યા કરવા માંગતા હતા. પરંતુ પત્ની અને પુત્રીઓની હત્યા બાદ તેમનામાં હિંમત ન રહેતા ભાંગી પડ્યા હતા અને આત્મહત્યા કરવાનો વિચાર પડતો મૂકી તેમના સંબંધીઓને ફોન કરીને હત્યાકાંડની જાણ કરી હતી. ત્યારબાદ પોલીસને ફોન કરી સમગ્ર હકીકત જણાવી હતી. હત્યા કર્યા બાદ ધર્મેશ શાહ ભાગી જવાના બદલે ઘરમાં જ રહ્યા હતા. આથી પોલીસે આવી સમગ્ર ઘરને કોર્ડન કરી લીધુ હતું. ત્યારબાદ જે રિવોલ્વરથી હત્યા કરી હતી તે રિવોલ્વર, ફૂટેલા કારતૂસ વગેરે કબજે કરી સમગ્ર ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ માટે એફએસએલને અને ડોગ સ્કવોર્ડને સ્થળ પર બોલાવી લીધા હતા ત્યારબાદ પોલીસે ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.

ધર્મેશ શાહ મોટી પુત્રી હેલીને એમબીએ કરવા વિદેશ મોકલવાના હતા પણ…

બિલ્ડર ધર્મેશ શાહને હેલી અને દીક્ષા નામની બે પુત્રીઓ હતી. હેલી પોતે આર્કિટેક્ટ હતી અને પિતાના વ્યવસાયમાં મદદ પણ કરતી હતી જ્યારે નાની દીક્ષા એન્જિનિયરિંગનો અભ્યાસ કરતી હતી. મોટી પુત્રી હેલીને એમબીએ કરવા વિદેશ જવાનું હતું. જેમાં રૂા.૭૦ લાખ જેટલો ખર્ચ પણ થયો હતો. પરંતુ કરોડો રૂપિયાનું દેવું હોવાથી વધુ ખર્ચ થઈ શકે તેમ ન હતો. આથી પુત્રીની વિદેશ જવાની ઈચ્છા પૂર્ણ ન થઈ શકતા ધર્મેશ શાહ સતત તણાવમાં રહેતા હતા. જો કે, ધર્મેશ શાહ પર આટલું વધુ દેવું હતું તેની પરિવારને જાણ જ ન હતી.

બિલ્ડર ધર્મેશ શાહ પર બેંક અને મિત્રોનું મળી કુલ ૧૫ કરોડથી વધુનું દેવું હતું

પત્ની અને બે પુત્રીઓની હત્યા કરનાર બિલ્ડર ધર્મેશ શાહ પર ૧૫ કરોડથી વધુ રૂપિયાનું દેવું હતું. દસેક કરોડ રૂપિયાનું દેવું તેમણે બેંકમાંથી લીધુ હતું. જ્યારે ૫થી ૬ કરોડ રૂપિયા તેમણે મિત્રો પાસેથી લીધા હતા. તેવામાં મોટી પુત્રી હેલીને વિદેશ મોકલવા વધુ નાણાંની જરૂર પડતા તેઓ તેની ચિંતામાં હતા. પરંતુ કરોડો રૂપિયાનું દેવું હોવાથી હવે કોની પાસે હાથ લાંબો કરવો તેની ચિંતા તેમને કોરી ખાતી હતી.

બંને રિવોલ્વરને લઇ
પોલીસ તપાસ શરૂ

ધર્મેશભાઇએ પત્ની અને પુત્રીઓની હત્યા માટે ઉપયોગમાં લીધેલી બંને રિવોલ્વર અંગે ખાસ તપાસ શરૂ કરી છે. જેમાં એક રિવોલ્વર રશિયન બનાવટની હતી. પત્નીની હત્યા કર્યા બાદ એક રિવોલ્વર લોક થઇ જતાં તેમણે બીજી રિવોલ્વરથી બંને પુત્રીઓને ઠાર મારી પતાવી દીધી હતી, તેથી પોલીસે આ બને રિવોલ્વર આવી કયાંથી તે સહિતના મુદ્દે તપાસ શરૂ કરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks