અમદાવાદ, તા.ર૬
રાજ્યમાં સ્વાઈનફ્લૂ અને ડેન્ગ્યુનો હાહાકાર શમવા માપ્યો નથી ત્યાં ઝીકા વાયરસનો જબદસ્ત મોટો ખતરો સામે આવ્યો છે. ગર્ભવતી સ્ત્રીઓ માટે સૌથી જોખમી એવા ઝીકા વાયરસે પડોશી રાજ્ય રાજસ્થાનમાંથી ધીમા પગલે પગપેસારો કર્યાની ચર્ચાઓ થઈ રહી છે.
રાજસ્થાનમાં અત્યાર સુધીમાં ૧૦૦ જેટલા પોઝીટીવ કેસ નોંધાયા બાદ તે ધીમે-ધીમે ગુજરાતમાં પણ ફેલાઇ રહ્યો છે. જી હા રાજસ્થાનને અડીને આવેલા ગુજરાતના બનાસકાંઠાના જિલ્લાના પાલનપુર રેલવે સ્ટેશન પર રાજસ્થાનથી આવતા શંકાસ્પદ લોકોની તપાસ આરોગ્ય વિભાગની બે ટીમો કરી રહી છે. આગમચેતીના ભાગરૂપે ગુજરાતનું આરોગ્ય વિભાગ સાબદુ થઇ ગયું છે. હાલ મળી રહેલા અહેવાલ પ્રમાણે, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ઝીકા વાઇરસના ૫ શંકાસ્પદ કેસ નોંધાયા છે.
ઝીકા વાયરસના પગલે જિલ્લા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.અરૂણ આચાર્ય અને તેમની ટીમે રોગ અટકાવવા મહાઅભિયાન ચલાવ્યું છે. રાજસ્થાનથી ગુજરાતમાં આવતા અમીરગઢ, ગુદરી, ખોડા, થાવર પોઇન્ટ પર ટીમ તૈનાત કરી દેવાઇ છે. જે પણ વ્યક્તિ શંકાસ્પદ જણાશે તે દર્દીઓને સીધા સારવાર હેઠળ લઈ જવાશે. અમદાવાદના અમરાઈવાડીમાં ઝીકા વાયરસનો પોઝીટીવ કેસ આવ્યો છે. ભાવનગરથી ઓપરેશન માટે અમરાઇવાડી મહિલા આવી હતી. માતાને ઘરે આવેલ મહિલાનો ઝીકા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ૪૦ વર્ષીય મહિલાના ૨૦ દિવસ પહેલા બ્લડ સેમ્પલો લેવાયા હતા. હાલ મહિલા આઈસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ છે. તંત્ર દ્વારા હજુ પણ માહિતી છુપાવવાનો પ્રયાસ કરાયો છે. ભેદી રોગચાળો નથી તો ત્વરિત ફોગિંગની કામગીરી કેમ? શંકાસ્પદ ઝીકા વાયરસના વિસ્તારોમાં પ્રાથમિક તપાસ શરૂ કરી દેવાઇ છે.
અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવી ગયું છે. ૧,૭૧,૦૦૦ ઘરોમાં ફોગિંગની કામગીરી શરૂ કરી દીધી છે. શાહીબાગ, કુબેરનગર, સાબરમતી, ચાંદલોડિયા, અમરાઈવાડી, બહેરામપુરા, વેજલપુર, જમાલપુર, નરોડા, ગોમતીપુર, નવરંગપુરા, જોધપુર સહિતના વિસ્તારોમાં ફોગિંગની કામગીરી શરૂ કરી દીધી છે. મળતી માહિતી પ્રમાણે અમરાઈવાડી, અસારવા, ભાઈપુરા, બાપુનગર અને ઈસનપુર જેવા પૂર્વ અમદાવાદના વિસ્તારોમાં ઝીકાના પાંચ કેસ નોંધાયા છે. જોકે આ આંકડા અંગે સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ઝીકા વાયરસના કેસોને ખાનગી રાખવાની પદ્ધતિ પડી ગઈ હોવાથી તેમજ પ્રોટોકોલ હોવાથી રાજ્યના આરોગ્ય વિભાગે અને અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે આ અંગે મૌન સેવ્યું છે. અત્યંત ખતરનાક એવો ઝીકા વાયરસ ચિકનગુનિયા અને ડેન્ગ્યૂ ફેલાવતા મચ્છરો જો-એડિસ અને ઈજિપ્તી ફેલાય છે. શારીરિક સંબંધથી પણ ઝીકા વાયરસ ફેલાઈ શકે છે. ઝીકા વાઈરસથી લકવો પણ થઈ શકે છે. તો ઝીકા વાયરસની અસરથી પ્રભાવિત બાળકો સામાન્ય કરતા નાના કદના અને અવિકસિત મગજ સાથે જન્મે છે. આ ભયંકર વાઈરસે રાજ્યમાં પગપેસારો કર્યાની ખબરથી જ આરોગ્ય વિભાગ દ્વારા આ વાઈરસ અંગે લોકોને જરૂરી જાણકારી આપી જાગૃત કરાય તે ઇચ્છનીય છે.