અમદાવાદ, તા.૩૦
અમદાવાદ શહેરમાં આ માસની શરૂઆતથી જ રાજ્યના અન્ય ભાગોની સાથે સ્વાઈનફલૂના રોગે માથુ ઉચકયુ છે આ પરિસ્થિતિમા અમદાવાદ શહેરમા છેલ્લા પાંચ વર્ષમાં સ્વાઈનફલૂના ૪ હજાર ઉપરાંત સ્વાઈનફલૂના કેસ નોંધાવા પામ્યા છે આ સાથે જ મ્યુનિ.હેલ્થ વિભાગના એક ઉચ્ચ અધિકારી પણ સ્વાઈનફલૂના રોગનો શિકાર બન્યા હોવાની અટકળો તંત્રમાં ભારે ચર્ચામા છે.આ અંગે મળતી માહીતી પ્રમાણે મંગળવારના રોજ મળેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય માસિક બેઠકમાં શહેરમા ઉભી થયેલી રોગચાળાની પરિસ્થિતિ મામલે વિપક્ષ કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા રોગચાળાને નિયંત્રણમા લેવામાં તંત્રને મળેલી નિષ્ફળતા મામલે ઉગ્ર પસ્તાળ પાડવામા આવી હતી.પૂર્વ વિપક્ષનેતાએ આંકડાકીય વિગતો સાથે રજુઆત કરતા કહ્યુ કે,અમદાવાદ શહેરમાં છેલ્લા પાંચ વર્ષમાં સ્વાઈનફલૂના કુલ મળીને ૪૦૭૪ જેટલા કેસ નોંધાવા પામ્યા છે જેમાં ઓગસ્ટ-૧૭માં અત્યારસુધીમા ૧૬૦૦ ઉપરાંત કેસ નોંધાયા છે જેની સામે ૮૭ લોકોના મોત થવા પામ્યા છે.અમદાવાદમાં વર્ષ-૨૦૧૩માં કુલ ૧૬૫ કેસ નોંધાયા હતા જેની સામે ૩૩ લોકોના મોત થવા પામ્યા હતા.વર્ષ-૨૦૧૪માં નવ કેસ નોંધાયા હતા અને ત્રણ મોત થયા હતા.વર્ષ-૨૦૧૫માં કુલ ૨૨૦૯ કેસ નોંધાયા હતા જે સામે ૧૩૯ લોકોના મોત થવા પામ્યા હતા.વર્ષ-૨૦૧૬મા કુલ ૧૫૨ કેસ નોંધાયા હતા અને ૩૪ લોકોના મોત થવા પામ્યા હતા.જ્યારે આ વર્ષના આઠ માસમાં ૧૭૦૪ કેસ નોંધાવા પામ્યા છે જે પૈકી ઓગસ્ટ માસમાં ૧૫૬૮ કેસ અને ૬૭ ઉપરાંત લોકોના મોત થવા પામ્યા છે.આ તંત્રની બેદરકારીના કારણે બનવા પામ્યુ છે.