Ahmedabad

અમદાવાદમાં દોશીવાડાની પોળમાં બે માળનું મકાન ધરાશાયી થતાં ભાગદોડ

અમદાવાદ, તા.૨૨
અમદાવાદ શહેરમાં ગત ૨૫ જુનથી શરૂ થયેલા વરસાદે અત્યાર સુધીમાં ત્રણ રાઉન્ડ પુરા કર્યા છે.વરસાદના આ વર્ષના રાઉન્ડ દરમિયાન મોસમનો સરેરાશ વરસાદ ૯૩૧.૯૭ મીલીમીટર એટલે કે ૩૭.૨ ઈંચ ઉપર પહોંચી જવા પામ્યો છે.અમદાવાદમાં વીતેલા ૨૪ કલાકમા સરેરાશ ૧.૬૧ મીલીમીટર વરસાદ થવા પામ્યો છે. દરમિયાન દોશીવાડાની પોળમાં બે માળનુ મકાન ધરાશયી બનવા પામતા દોડધામ મચી જવા પામી હતી જ્યારે ફાયર વિભાગ દ્વારા એક વ્યક્તિને બચાવી લેવામા આવ્યો છે. અમદાવાદ શહેરમા આજે દિવસ દરમિયાન વરસાદે વિરામ લીધા બાદ સાંજના સમયે ફરી શહેરના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ થવા પામ્યો છે.આ જુલાઈ માસમાં અમદાવાદ શહેરમા સરેરાશ ૩૪ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો અમદાવાદ શહેરમાં સામાન્ય રીતે ૩૦ ઈંચ જેટલા વરસાદ વરસતો હોય છે જેની સામે સરેરાશ વરસાદ કરતા પણ વધુ વરસાદ શહેરમાં જુલાઈ માસમા જ વરસી જવા પામ્યો હતો.આ માસની શરૂઆતથી અત્યાર સુધીમા સરેરાશ ત્રણ ઈંચ કરતા વધુ વરસાદ અમદાવાદ શહેરમાં વરસતા શહેરનો મોસમનો સરેરાશ વરસાદ ૯૩૧.૯૭ મીલીમીટર(૩૭.૨ ઈંચ) થવા પામ્યો છે. શહેરમાં બુધવારે સાંજે ફરી એક વખત અનેક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડતા વાતાવરણમા ઠંડક પ્રસરી જવા પામી હતી.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાગોર કંટ્રોલરૂમના સૂત્રોમાથી મળતી માહિતી અનુસાર,અમદાવાદ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમા સરેરાશ વરસાદ ૧.૬૧ મીલીમીટર થવા પામ્યો છે.જેમા સૌથી વધુ વરસાદ શહેરના પશ્ચિમઝોનમાં ૬.૨૬ મીલીમીટર થવા પામ્યો છે.શહેરના મધ્યઝોનમાં આવેલા કાલુપુર વોર્ડની દોશીવાડાની પોળમાં ગત મોડી સાંજે એક બે માળનુ મકાન ધરાશયી બનતા મ્યુનિસિપલ ફાયર વિભાગની ટીમે ધરાશયી બનેલા મકાનમાં ફસાયેલા અક્ષિત શાહ,ઉંમરવર્ષ-૨૧ને સલામત રીતે બહાર કાઢવામા આવ્યો હતો.આ ઉપરાંત શહેરના નવા પશ્ચિમઝોનમાં એક સ્થળે ભુવો પડવાની ઘટના બનવા પામી છે.શહેરના વાસણા બેરેજ ખાતે પાણીની સપાટી ૧૩૩.૫૦ ફૂટ નોંધાયેલી છે.નદીમા પાણીની જાવક ૭૭૨૮ કયુસેક અને કેનાલમા જાવક ૧૦૬૦ કયુસેક છે.બેરેજના બે દરવાજા ૪ ફૂટ જેટલા ખુલ્લા છે.