અમદાવાદ,તા.૬
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસીયેશને (જી.એસ.એફ.એ.) જાહેરાત કરી છે કે અમદાવાદ પ્રથમ વખત રાષ્ટ્રીય સ્તરની ફૂટબોલ ચેમ્પિયનશીપની યજમાની કરી રહ્યું છે. સંતોષ ટ્રોફી (પશ્ચિમ ઝોન) માટેની ૭૨મી સિનિયર નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશીપનું આયોજન અમદાવાદમાં એરેના ટ્રાન્સસ્ટેડિયામાં જાન્યુઆરી ૮ થી જાન્યુઆરી ૧૩, ૨૦૧૮ સુધી કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાન્યુઆરી ૮, ૨૦૧૮ના રોજ આ સ્પર્ધાને ખૂલ્લી મૂકવા માટે સંમતિ આપી છે.
સંતોષ ટ્રોફી રાષ્ટ્રીય સ્તરની ખૂબ જ પ્રતિષ્ઠિત ફૂટબોલ સ્પર્ધા છે. આ સ્પર્ધા ઝોન પ્રમાણે રમાય છે – જેમાં પૂર્વ ઝોન, પશ્ચિમ ઝોન, દક્ષિણ ઝોન, ઉત્તર ઝોન અને ઉત્તર-પૂર્વ ઝોનનો સમાવેશ થાય છે. સાત રાજ્યોની ફૂટબોલ ટીમો સંતોષ ટ્રોફી (પશ્ચિમ ઝોન) માટેની ૭૨મી સિનિયર નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશીપમાં ભાગ લેશે, જેમાંથી ટોચની બે ટીમો નેશનલ ચેમ્પિયનશીપમાં ભાગ લેશે. આ સાત ટીમોને બે ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. ગ્રૂપ એ માં ગુજરાત, ગોવા, અને રાજસ્થાન તથા ગ્રૂપ બી માં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, દમણ અને દીવ તેમજ લક્ષદ્વીપનો સમાવેશ થાય છે. જાન્યુઆરી ૮, ૨૦૧૮ના રોજ ગુજરાત તેની પ્રારંભિક મેચમાં રાજસ્થાનનો મુકાબલો કરશે, જ્યારે ગુજરાતની બીજી લીગ મેચ ગોવા સામે જાન્યુઆરી ૧૨, ૨૦૧૮ના રોજ યોજાશે.
સ્પર્ધાના આયોજન અંગે વાત કરતા ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસીયેશનના પ્રમુખ ધનરાજ નથવાણીએ જણાવ્યું હતું કે, “સંતોષ ટ્રોફી સમગ્ર દેશમાં ખૂબ જ લોકપ્રિય ચેમ્પિયનશીપ છે. ગુજરાતના ઉભરતા અને પ્રતિભાવાન ખેલાડીઓ માટે અન્ય રાજ્યોના ખાસ કરીને ગોવા અને મહારાષ્ટ્રના વરિષ્ઠ અને અનુભવી ખેલાડીઓને રમતા જોવાનો અને તેમની રમતમાંથી શીખવાનો આ અનોખો મોકો છે. મને આશા છે કે આ પ્રકારની પ્રતિષ્ઠિત સ્પર્ધાના આયોજનથી રાજ્યમાં ફૂટબોલને લોકપ્રિય બનાવવામાં મદદ મળશે.”
તેમણે એમ પણ કહ્યું હતું કે ગુજરાત ખેલાડીઓની તાલીમ પર ખાસ્સો ભાર આપી રહ્યું છે. અમે પ્રથમ વખત રાજ્ય બહારના કોચને નિમણૂક આપી છે. “સર્વિસીસના ભૂતપૂર્વ ખેલાડી કુંદન ચંદ્રા મુખ્ય કોચ તરીકે ખેલાડીઓને તાલીમ અને માર્ગદર્શન આપી રહ્યા છે, આ પ્રસંગે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશનના વાઇસ પ્રેસિડેન્ટ અરુણસિંહ રાજપૂત, માનદ્ મંત્રી ગુલાબ ચૌહાણ અને માનદ્ ખજાનચી ફિલિપ જોબ ઉપસ્થિત રહ્યા હતા.