અમદાવાદ, તા.૩૧
રાજયના અન્ય ભાગોની સાથે અમદાવાદ શહેરમા પણ ઓગસ્ટ માસની શરૂઆતથી શરૂ થયેલા સ્વાઈનફલૂના કહેર બાદ છેલ્લા ૨૪ કલાકમા અમદાવાદ શહેરમા સ્વાઈનફલૂના નવા ૩૭ કેસ નોંધાવા પામ્યા છે નોંધપાત્ર બાબત એ છે કે આ માસની શરૂઆતથી પહેલી વખત એવો દિવસ પસાર થયો છે કે,જ્યા સ્વાઈનફલૂને લઈને અમદાવાદમા એક પણ મૃત્યુ નોંધાવા પામ્યુ નથી.આ અંગેની વિગત એવી છે કે, અમદાવાદ શહેરમા આ મોસમમા જુલાઈ માસ દરમિયાન પડેલા ૩૪ ઈંચ જેટલા વરસાદને પગલે ઓગસ્ટ માસની શરૂઆતથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વાઈનફલૂના રોજબરોજ સરેરાશ ૭૦ જેટલા નવા કેસ નોંધાતા હતા આ સાથે જ રોજ ચાર લોકોના મોત થવા પામતા હતા. અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસથી સ્વાઈનફલૂ નિયંત્રણમા આવતો હોય એમ કેસની સંખ્યા ઘટતી જઈ રહી છે.અમદાવાદમાં બુધવારના રોજ ૫૯ કેસ નોંધાવા પામ્યા હતા જ્યારે એક દર્દીનુ મોત થવા પામ્યુ હતુ.આ સાથે જ છેલ્લા ૨૪ કલાકમા અમદાવાદ શહેરમા સ્વાઈનફલૂના ૩૭ નવા કેસ નોંધાવા પામ્યા છે એક પણ મરણ નોંધાવા પામ્યુ નથી.૧૫ દર્દીઓ વેન્ટિલેટર પર છે.૧૨ દર્દીઓ બાય-પેપ ઉપર છે અને ૩૪ દર્દીઓ ઓકિસજન ઉપર છે.તંત્ર દ્વારા ૨૪ કલાકમાં કુલ મળીને ૧,૭૭,૩૩૮ ઘરોનો સર્વે કરવામા આવ્યો જેમા ૧૩૬૩ શંકાસ્પદ દર્દીઓ પૈકી બી-કેટેગરીના ૨૩ દર્દીઓને સારવાર આપવામા આવી છે.હાલ વિવિધ હોસ્પિટલોમા આઈસોલેશન વોર્ડમા કુલ ૧૪૪ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. દરમિયાન રાજ્યમાં સ્વાઈન ફ્લુથી વધુ પાંચના મોત થયા છે જેથી મોતનો આંકડો વધીને ૩૫૭ થયો છે. સ્વાઈન ફ્લુથી મોતના મામલામાં ગુજરાત સૌથી અગ્રણી રાજ્ય પૈકી થઇ ગયું છે. ૨૦૦૯ બાદથી સ્વાઈન ફ્લુના કારણે ગુજરાતમાં ૧૬૮૩ મોત થયા છે અને ૧૫૭૫૫થી વધુ કેસો નોંધાયા છે. કિલર સ્વાઈન ફ્લુને કાબૂમા લેવામાં સફળતા મળી રહી છે તેવા ગુજરાત સરકારના દાવાઓ છતાં સ્વાઇન ફ્લુના કારણે દરરોજ મોતનો સિલસિલો જારી રહ્યો છે. નવા નવા કેસ દર્શાવે છે કે ગુજરાતમાં હાલત કફોડી બનેલી છે. સરકારી આંકડા દર્શાવે છે કે, છેલ્લા ૧૩ દિવસના ગાળામાં સ્વાઈન ફ્લુના કારણે ૧૧૫ના મોત થઇ ચુક્યા છે. સરકારી તંત્ર સાચા આંકડા બહાર ના આવે અને લોકોમાં સ્વાઇન ફુલની સાચી પરિસ્થિતિ ખુલ્લી ના પડી જાય તે હેતુથી સાચી આંકડાકીય માહિતી પણ છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે પરંતુ તેમછતાં સ્વાઇન ફલુના મામલે સરકાર-સત્તાવાળાઓની નિષ્ફળ કામગીરી ખુલ્લી પડી છે.
ક્યારે કેટલા કેસ થયા
માસ કેસ મોત
જાન્યુ. ૦૧ ૦૦
ફેબ્રુ. ૦૭ ૦૧
માર્ચ. ૧૯ ૦૨
એપ્રિલ. ૧૭ ૦૬
મે ૧૪ ૦૩
જુન ૧૬ ૦૨
જુલાઈ ૬૨ ૦૬
ઓગસ્ટ ૧૮૪૫ ૯૧
કુલ ૧૯૧૭ ૧૧૧