અમદાવાદ, તા.રપ
શહેર સ્માર્ટ બનવા જઈ રહ્યું છે ત્યારે શહેરના અન્ય નાગરિકોની જેમ શહેરના બુટલેગરો પણ સ્માર્ટ ફોનનો ઉપયોગ કરી વધુ સ્માર્ટ બનતાં વોટ્સએપ પર વરલી મટકાનો જુગાર રમાડી રહ્યા છે. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં વોટ્સએપ પર વરલી મટકાનો જુગાર રમાડતાં એક વ્યક્તિની પોલીસે અટકાયત કરતાં આ વિગત સામે આવી છે. પહેલાં વરલી મટકાનો આંક રમાવા માટે લોકોનું ટોળું ભેગું થતું હતું પરંતુ હવે વરલી મટકાનો આંક વોટ્સએપ પર રમાડવામાં આવી રહ્યો છે. શાહીબાગ વિસ્તારમાં આવેલ ઉત્તર ગુજરાત સોસાયટી પાસે ઊભો રહેલો એક યુવક મોબાઇલ ફોનમાં વરલી મટકાનો જુગાર રમાડી રહ્યો હોવાની બાતમી શાહીબાગ પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે યુવકની અટકાયત કરીને તેનો મોબાઇલ કબજે કરી લીધો હતો. યુવકનું નામ અમિત બળદેવભાઇ પટેલ (રહે. ૩૬ અયોધ્યાનગરી સોસાયટી, ન્યૂ રાણીપ) છે અને તે છેલ્લા ઘણા સમયથી વોટ્સએપ મારફતે વરલી મટકાનો જુગાર રમાડતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે તેના મોબાઇલનું વોટ્સએપ ચેક કરતાં અલગ અલગ મોબાઇલ નંબરમાં સટ્ટાના આંક લખેલા હતા તથા સટ્ટાની સ્લિપોના ફોટોગ્રાફ મળી આવ્યા છે. વોટ્સએપમાં પોલીસને દસ અલગ અલગ નંબર મળી આવ્યા છે. જેમાં અમિતે તમામ સાથે વરલી મટકાના આંકડાની આપ લે કરી છે.