અમદાવાદ,તા.ર૮
અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં અનેક દારૂના અડ્ડા ધમધમી રહ્યા હોવાની ફરિયાદને પગલે બુધવારે મોડી સાંજે ગોમતીપુર પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી દારૂનું વેચાણી બંધ કરવાનું અલ્ટીમેટમ આપનાર વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ અમદાવાદના વાડજ વિસ્તારમાં ધમધમી રહેલા દારૂના અડ્ડાઓ મામલે આજે ફરી વાડજ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી જો આ અડ્ડાઓ ર૪ કલાકમાં બંધ કરવામાં નહીં આવે તો પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કરવામાં આવશે તેવી ચીમકી આપી હતી. સાથે જ રાજ્યભરમાં દારૂબંધી માટે લડવાનો તેમજ જનતા રેડ કરવાનો અવાજ બુલંદ કર્યો હતો. સાથે જ તેમણે પોલીસ અને બુટલેગરોની મીલીભગત તરફ ઈશારો કરતાં ગુજરાતમાં દારૂબંધી છતાં વર્ષે રપ હજાર કરોડનો દારૂ વેચાતો હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો.
વડગામમાંથી અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ જિગ્નેશ મેવાણીએ અમદાવાદમાં દારૂના વેચાણ સામે જંગ શરૂ કર્યો છે. ગઈ કાલે ગોમતીપુર વિસ્તારમાં પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યા બાદ આજે મેવાણીએ શહેરના પોલીસ કમિશનર સાથે મુલાકાત કરી હતી અને અમદાવાદમાં ખુલ્લેઆમ વેચાતા દારૂ અંગે રજૂઆત કરી હતી. મેવાણીએ દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં દારૂનું બેફામ વેચાણ થઈ રહ્યું હોવાનો દાવો કરી કેટલાક ચોંકાવનારા દાવા પણ કર્યા છે.
મેવાણીએ જણાવ્યું હતું કે, વાડજના કેટલાક સ્થાનિક લોકોએ તેમની સમક્ષ રજૂઆત કરી હતી કે, અહીંના કેટલાક વિસ્તારોમાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ થાય છે. વાડજમાં તો પોલીસ સ્ટેશનની સામે જ દારૂ વેચાતો હોવાનું મેવાણીએ કહ્યું હતું. મેવાણીએ જણાવ્યું હતું કે, દલિત અને ઠાકોરોની જ્યાં વસ્તી છે ત્યાં ટાર્ગેટ કરાતા હોય તેમ દારૂના અડ્ડાઓ ચાલે છે.
જિગ્નેશે કહ્યું હતું કે, અહીં જે પણ એસીપી, ડીસીપી આવે છે તેમને તેમજ છેક રાજ્યના પોલીસ વડા, હોમ ડિપાર્ટમેન્ટ અને હોમ સેક્રેટરી પણ આ સ્થિતિથી અવગત છે. તેમણે સવાલ કર્યો હતો કે, ગુજરાતમાં દર વર્ષે ૨૫ હજાર કરોડનો ગેરકાયદે દારૂ વેચાય છે તે રૂપિયા કોના ખિસ્સામાં જા છે ? મેવાણીએ પોલીસ તંત્રને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું હતું કે, ૨૪ કલાકમાં જો દારૂના અડ્ડા બંધ ન થયા તો ગુજરાતની પોલીસ એક બાજુ હશે, અને બીજી બાજુ જિગ્નેશ મેવાણી હશે. તેમણે એમ પણ કહ્યું કે, ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ગઈ કાલે અમે રજૂઆત કરી હતી, અને જેસીપી જેકે ભટ્ટે તાત્કાલિક પગલાં લેવાની ખાતરી આપી છે. જો ૨૪ કલાકમાં પગલાં ન લેવાયા તો ૩૦ તારીખે પોલીસ કમિશનરની કચેરીનો ઘેરાવ કરવામાં આવશે.
ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં કહેવા પુરતી દારૂબંધી છે. અનેક વિસ્તારોમાં દારૂના અડ્ડા ધમધમી રહ્યાં છે. આ વાતની સાબિતી ઘટનાઓ ચૂંટણી દરમિયાન બનવા પામી હતી. ગુજરાતમાં ચૂંટણી દરમિયાન મોટે પાયે દારૂ પકડાયો હતો. પણ તે કોઈ પોલિટિકલ પાર્ટીઓનો નહોતો. પણ સ્થાનિક બૂટલેગરોનો હતો. તેવું ખુલ્યું હતું.
જિગ્નેશ મેવાણીને સ્થઆનિકોનું ભરપુર સમમર્થન મળી રહ્યું છે. દારૂના અડ્ડાઓના વિરોધમાં મોટી સંખ્યામાં સ્થાનિકો જોડયા હતા. અમદાવાદમાં ગોમતીપુર પછી વાડજ પોલીસ સ્ટેશનને ઘેરાવ કરતાં પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે.