અમદાવાદના વરદાન ટાવરમાં આગ શ્રાપ બનીને ત્રાટકી : એક જ પરિવારના ચારનાં કરૂણ મોત

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૯
અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં વરદાન ટાવરમાં આવેલી કરિયાણાની દુકાનમાં આજે વહેલી સવારે ફાટી નીકળેલી આગમાં પતિ, પત્ની અને પુત્ર સહિત ચાર લોકો જીવતા ભૂંજાઈ જતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ ઘટનાની વધુ કરૂણાંતિકા એ હતી કે પરિવારની એક બાળકી બહાર ગઈ હોવાથી તેનો આબાદ બચાવ થયો હતો. આ આગ શોર્ટ સર્કિટને લીધે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. બનાવની પ્રાપ્ત વિગત અનુસાર મૂળ રાજસ્થાનના પાલીનો અને અમદાવાદના નારણપુરાના વરદાન ટાવરમાં કરિયાણાની દુકાન ધરાવતો ચૌધરી પરિવાર કરિયાણાની દુકાનના પાછળના ભાગે જ રહેતો હતો. દરમ્યાન આજે વહેલી સવારે સાડા સાત વાગ્યાના સુમારે પરિવારના સભ્ય ઘરમાં હતા. ત્યારે દુકાનના આગળના ભાગે અચાનક આગ લાગતા પરિવાર ગભરાઈ ગયો હતો. કારણ કે દુકાન કહો કે ઘર કહો તેમાં પ્રવેશવાનો અને બહાર નીકળવાનો એક જ રસ્તો હતો. આથી આગ લાગતા પરિવારના સભ્યોને બહાર નીકળવાનો કોઈ જ રસ્તો જડયો ન હતો.
આગની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ફાયરબ્રિગેડને જાણ કરી હતી. આથી ત્વરિત દોડી આવેલા ફાયરબ્રિગેડના લાશ્કરોએ આગ પર કાબુ મેળવી બચાવ કામગીરી હાથ ધરી હતી. જેમાં એક વ્યકિતનું ઘટના સ્થળે જ મોત નીપજયાનું જણાયું હતું. જયારે ગંભીર રીતે દાઝેલા ત્રણ સભ્યોને હોસ્પિટલ ખસેડાયા હતા પરંતુ સારવાર દરમ્યાન જ તેમના કમકમાટીભર્યા મોત નીપજયાં હતા. આગની આ કમનસીબ ઘટનામાં મોતને ભેટેલા કમભાગીઓમાં સુનિલ ચૌધરી મોહન ચૌધરી, લીલાબેન ચૌધરી અને અર્જુન ચૌધરીનો સમાવેશ થાય છે. વધુમાં પ્રાપ્ત વિગત અનુસાર આગની આ ઘટનાને લઈ રહેણાક વિસ્તારમાં ફાયરસેફટીના પ્રશ્ને અનેક પ્રશ્નો ખડા કર્યા છે. કોમિર્શિયલ એકમોના કારણે લોકોના જાનમાલની સલામતી સામે પણ જોખમ ઉભું થયું છે. આ પરિવાર દુકાનમાં જ ઘર બનાવીને રહેતો હોવાથી આસપાસના લોકોએ તેમને અગાઉ અનેકવાર સમજાવ્યા હતા કે તમારે આ રીતે ધંધો કરવાનું અને રહેવાનું ના રાખવું જોઈએ. પરંતુ લોકોએ તેમની વાત માની ન હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ ઉપરાંત કાફલો મેયર ગૌત્તમ શાહ, ધારાસભ્ય કોશિક પટેલ સહિતના લોકો સ્થળ પર દોડી ગયા હતા.

દુકાનોમાં જ રહેતા પરિવારોનો સર્વે કરાવવાની મેયરની જાહેરાત

વિસ્તારમાં વરદાન ટાવરમાં નીચે કરિયાણાની દુકાનમાં લાગેલી આગમાં એક જ પરિવારના મોતની ઘટનાની જાણ થતાં ખુદ મેયર ગૌતમ શાહ ત્યાં દોડી આવ્યા હતા, તેમણે કરૂણાંતિકાની ગંભીરતા ધ્યાને લઇ અમદાવાદ શહેરમાં આ પ્રકારે દુકાનોની અંદર જ રહેતા કે વસવાટ કરતાં પરિવારોનો સર્વે કરાવવાની જાહેરાત કરી હતી. બીજીબાજુ, સમગ્ર ઘટનાના પ્રત્યાઘાત જોતાં આ કરૂણાંતિકાની તપાસ પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આર્જવ શાહને સોંપવામાં આવી હતી. જેઓ આ સમગ્ર બનાવમાં ઝીણવટભરી તપાસ હાથ ધરી અમ્યુકો સત્તાવાળાઓને તેનો વિગતવાર અહેવાલ આપશે. મેયરે જણાવ્યું હતું કે, વરદાન ટાવરના રહીશોએ અગાઉ ટાવરની નીચેના ભાગમાં ગેરકાયદે દુકાનો અને બાંધકામને લઇ ફરિયાદ કરી હતી પરંતુ કોઇ પગલાં લેવાયા નથી, તેથી તેની પણ તપાસ કરવામાં આવશે. આ પ્રકારની ઘટનાઓ ફરીથી ના બને તે માટે અગમચેતીના ભાગરૂપે શહેરમાં વિવિધ વિસ્તારોમાં દુકાન કે કોમર્શીયલ મિલકતમાં જ રહેતા આવા પરિવારોનો સર્વે કરાવવામાં આવશે, તંત્ર જરૂરી કાર્યવાહી કરશે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, આ સમગ્ર ઘટનામાં ટાવરના ચેરમેન, સેક્રેટરી સહિત જે કોઇ જવાબદાર ઠરે છે કે કેમ ? તેની પણ તપાસ કરવામાં આવશે અને જો જવાબદારી ઠરતી હશે તો તેઓની વિરૂધ્ધ પણ કાર્યવાહી થશે.

ચૌધરી પરિવારની સાત વર્ષની પુત્રી
પૂજા બહાર હોવાથી બચી ગઈ

વરદાન ટાવરમાં બનેલી આગની જીવલેણ ઘટનામાં ચૌધરી પરિવારની એક માત્ર પુત્ર જ બચી છે. આગ લાગી ત્યારે આખો પરિવાર દુકાનમાં હતો. દુકાનમાંથી બહાર નીકળવા માટે શટરનો એક જ રસ્તો હતો. આથી પરિવાર અંદર જ ફસાઈ જતા પતિ, પત્ની અને પુત્ર સહિત ચાર લોકો મોતને ભેટયા હતા પરંતુ પરિવારની સાત વર્ષની પુત્રી પુજા ફોઈના ઘરે રહેતી હોવાથી તેનો આબાદ બચાવ થયો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks