અમદાવાદીઓની આતુરતાનો અંત : મેઘરાજા મન મૂકીને વરસ્યા

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૦
અમદાવાદ શહેર પર મેઘરાજાએ લાંબી રાહ જોવડાવ્યા બાદ મહેરબાની કરતા ગત રાત્રિથી આજે સાંજ સુધીમાં ધમાકેદાર વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. લોકોએ ઉકળાટથી રાહત મેળવી હતી પરંતુ દોઢ-બે ઈંચ વરસાદમાં ઠેર-ઠેર પાણી ભરાઈ જતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી વેઠવી પડી હતી. શહેરમાં ગત મોડી રાત્રિથી શરૂ થયેલો વરસાદ અડધીરાત્રિ સુધી વરસ્યા બાદ આજે સવારથી પુનઃ શરૂ થયો હતો અને બપોર બાદ તો વરસાદે જોર પકડતા સમગ્ર અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જુહાપુરા, વેજલપુર, સરખેજ, કોટ વિસ્તાર, દાણીલીમડા, શાહેઆલમ, બહેરામપુરા, નારોલ, વટવા, મણિનગર, ખોખરા, હાટકેશ્વર, નરોડા, ઓઢવ, ગોમતીપુર, બાપુનગર, રખિયાલ સહિતના વિસ્તારમાં ભારે વરસાદને લીધે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. નવા પશ્ચિમ ઝોન અને પશ્ચિમ ઝોનના વિસ્તારમાં પણ રસ્તાઓ પર પાણી ભરાવાથી વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી. મીઠાખળી અને પરિમલ અંડરપાસ બંધ કરવાની ફરજ પડી હતી. ચોંકાવનારી બાબત એ છે કે ગુજરાત કોલેજ પાસે બનાવાયેલા ઓવરબ્રિજ પર પણ પાણી ભરાઈ જતા તંત્રનો પ્રિ મોન્સુન એકશન પ્લાન ધોવાઈ ગયો હતો. શહેરમાં સૌથી વધુ વરસાદ વેજલપુરમાં બે કલાકમાં પ ઈંચ જેટલો નોંધાયો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts