અમદાવાદમાં સ્વાઈન ફ્લૂનો હાહાકાર ર૪ કલાકમાં જ ચારને ભરખી ગયો

અમદાવાદ, તા.૧૩
રાજ્યભરમાં સ્વાઈનફલૂના વધતા જતા કેસને નિયંત્રણમાં લેવા માટે યુધ્ધના ધોરણે કાર્યવાહી કરવામા આવી રહી હોવાના તંત્ર તરફથી અનેક પ્રકારના દાવાઓ કરવામા આવી રહ્યા છે આમ છતાં અમદાવાદ શહેરમાં સ્વાઈનફલૂના કેસો હજુ સુધી નિયંત્રણમાં આવ્યા નથી.અમદાવાદ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં સ્વાઈનફલૂના વધુ ૫૪ કેસ નોંધાવા પામ્યા છે જ્યારે વધુ ચાર લોકોના મોત થવા પામતા કુલ મૃત્યુઆંક ૪૩ ઉપર પહોંચવા પામ્યો છે. ખાડિયાના પુરૂષ ઉપરાંત નરોડાની મહિલા,વેજલપુરના પુરૂષ અને સરખેજના ૧૨ વર્ષના બાળકના ૨૪ કલાકમાં મોત થયા છે.અમદાવાદ શહેરમાં માત્ર ૧૩ દિવસની અંદર ૨૪ લોકોના મોત થવા પામતા અમદાવાદ મ્યુનિસિપલ હેલ્થ વિભાગ દ્વારા સ્વાઈન ફલૂને નાથવામાં નિષ્ફળ રહેવા પામ્યુ છે.આ અંગેની મળતી માહિતી અનુસાર,રાજયના અનેક શહેરો તેમજ વિસ્તારોની સાથે અમદાવાદ શહેરમાં પણ આ માસની શરૂઆતથી જ સ્વાઈનફલૂના કેસોનું પ્રમાણ સતત વધેલુ જોવા મળી રહ્યુ છે.જેના પરિણામે રોજ આ રોગના કેસોની સંખ્યા પણ વધતી જોવા મળી રહી છે.મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈન્ચાર્જ મેડીકલ ઓફિસર ડો.ભાવિન સોલંકીના કહેવા અનુસાર,અમદાવાદ શહેરમાં ૧૨ ઓગસ્ટ સુધીમાં સ્વાઈનફલૂના કુલ મળીને ૩૯૦ કેસ નોંધાવા પામ્યા હતા.જે પૈકી ગઈકાલે કુલ ત્રણ લોકોના મોત થતા કુલ મૃત્યુઆંક ૩૯ ઉપર પહોંચવા પામ્યો હતો.૧૨ ઓગસ્ટના રોજ અમદાવાદ શહેરમાં કુલ ૧૫૧ લોકો સારવાર હેઠળ હતા.જે પૈકી ૨૦ દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.આ પૈકી આજે વધુ ચાર લોકોના મોત થતા કુલ મૃત્યુઆંક ૪૩ ઉપર પહોંચવા પામ્યો છે.છેલ્લા ૨૪ કલાકમાં સ્વાઈનફલૂના વધુ ૫૪ જેટલા કેસ અમદાવાદ શહેરમાં નોંધાવા પામ્યા છે.આ સાથે જ અમદાવાદ શહેરમાં ૧૩ દિવસની અંદર સ્વાઈન ફલૂના કુલ મળીને ૩૦૦ પોઝેટીવ કેસ નોંધાવા પામ્યા છે અને ૨૪ લોકોના મોત થવા પામ્યા છે.આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં સ્વાઈન ફલૂના કુલ ૪૫૧ જેટલા પોઝેટીવ કેસ નોંધાતા મ્યુનિસિપલ તંત્રની નિષ્ફળતા છતી થવા પામી છે. શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં ખાડિયાના એક ૫૭ વર્ષના પુરૂષ, નરોડાની ૫૦ વર્ષની મહિલાના અનુક્રમે વી.એસ.હોસ્પિટલ અને શારદાબેન હોસ્પિટલમાં મોત થયા છે. ઉપરાંત વેજલપુરના ૪૫ વર્ષના પુરૂષનું સ્ટર્લીંગ હોસ્પિટલમાં જયારે સરખેજના એક ૧૨ વર્ષના બાળકનું વી.એસ.હોસ્પિટલમાં મોત થવા પામ્યું છે.મ્યુનિસિપલ કોર્પોરેશનના મેડીકલ ઓફિસરના કહેવા પ્રમાણે અમદાવાદ શહેરમાં અલગ અલગ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ પૈકી કુલ ૧૭ જેટલા દર્દીઓને આજે રજા આપવામા આવી છે.અત્યાર સુધીમાં કુલ ૨૩૪ જેટલા દર્દીઓને રજા આપવામા આવી છે.અમદાવાદમાં આ માસમા જ ૩૦૦ જેટલા સ્વાઈનફલૂના પોઝેટીવ કેસ નોંધાવા પામ્યા છે.
ક્યારે કેટલા કેસ નોંધાયા…

માસ કેસ મોત
જાન્યુ. ૦૧ ૦૦
ફેબ્રુ. ૦૭ ૦૧
માર્ચ. ૧૯ ૦૨
એપ્રિલ. ૧૭ ૦૬
મે ૧૪ ૦૩
જુન ૧૬ ૦૨
જુલાઈ ૬૨ ૦૬
ઓગસ્ટ ૩૦૦ ૨૪
કુલ ૪૩૬ ૪૩

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks