અમદાવાદ, તા.ર૪ : અમદાવાદ શહેરમાં મંગળવારે રાત્રે પદ્માવત ફિલ્મનો વિરોધ હિંસક બનતા થિયેટરોની બહાર તોડફોડ અને આગચંપીના બનાવો બનવા પામ્યા હતા. જેમાં અનેક લોકોના વાહનો બળીને ખાખ થઈ ગયા હતા ત્યારે આ મુદ્દે ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવાની કહેવતની જેમ ઘટના બન્યા બાદ સફાળી જાગેલી અમદાવાદ પોલીસે તોફાન કરનારા બે હજારનાટોળા સામે રાયોટિંગનો ગુનો નોંધ્યો છે તેમજ અત્યાર સુધીમાં ૪૪ લોકોની અટકાયત કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ શહેરમાં મંગળવારે સાંજે પદ્માવત વિરોધમાં થયેલી હિંસા મોડી રાત સુધી ચાલી હતી. એક્રોપોલીસ, ગુલમહેર, હિમાલયામોલ, આલ્ફાવન મોલે લોકોના ટોળાએ તોડફોડ કરતા માહોલ ગરમાયો હતો. ત્યારબાદ આગચંપી પણ કરવામાં આવી હતી. જેમાં મોલમાં આવેલી દુકાનો અને તેની આગળ પાર્કિંગમાં મૂકેલા અનેક વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. આ મુદ્દાને ગંભીરતાથી લઈને અમદાવાદ પોલીસે ચાર ગુનો નોંધ્યા હતા. વસ્ત્રાપુર અને સેટેલાઈટ પોલીસે મળીને બે હજારના ટોળા સામે ફરિયાદ નોંધી છે. તેમજ બુધવારે સવાર સુધી ૪૪ લોકોની અટકાયત કરી હતી. તેમજ આ સમગ્ર ઘટના મુદ્દે ૧૮ જગ્યાના સીસીટીવી ફૂટેજ લેવાયા છે. વધુ આરોપીઓની ઓળખ કરીને તેઓને પકડી પાડવાના ચક્રો ગતિમાન કરાયા છે. તો આવતીકાલે પદ્માવત ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે ત્યારે તકેદારીના પગલાં લેવામાં આવશે. ખાનગી ડ્રેસમાં પોલીસ અને ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ પણ તમામ ગિતિવિધિઓ ઉપર નજર રાખશે. મંગળવારે રાત્રે થયેલા વિરોધમાં વસ્ત્રાપુર પોલીસે ૩ ફરિયાદ નોંધી છે. સેટેલાઈટ પોલીસે પણ તોડફોડ આગચંપીની ઘટનામાં એક ફરિયાદ નોંધીને અત્યારસુધી ૪૪ લોકોની અટકાયત કરી છે. તેમજ રોડ પરના સીસીટીવી અને મોલના સીસીટીવી ઉપરથી આરોપીઓની ઓળખ કરીને તેમને ઝડપી પાડવા કવાયત હાથ ધરાશે.