
(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૧૭
વડાપ્રધાન મોદી પોતાના હોમ સ્ટેટમાં એક પછી એક વિશ્વના અન્ય દેશોના વડાઓને મુલાકાત કરાવી રહ્યા છે. જાપાન અને ચીનના વડાઓની મુલાકાત બાદ આજે વધુ એક દેશ ઈઝરાયેલના વડાપ્રધાન નેતાન્યાહુ મોદીની સાથે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. આ બંને મહાનુભાવોનું એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત બાદ એરપોર્ટથી ગાંધીઆશ્રમ સુધી ૭ કિ.મી.નો ભવ્ય રોડ-શો યોજાયો હતો. જો કે દર વખતની જેમ ખુલ્લી કારમાં ઊભા રહી લોકોનું અભિવાદન ઝીલવાને બદલે આ વખતે રોડ-શોમાં બંધ કારમાં બેસીને બંને મહાનુભાવો નિકળતા લોકોનો આશ્ચર્ય સાથે ઉત્સાહ ખોળો પડ્યો હતો. રોડ-શોના માર્ગ ઉપર વિવિધ સ્ટેજ પરથી લોકનૃત્યો તથા સાંસ્કૃતિક ઝાંખીઓ થકી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઈઝરાયેલના પીએમ અમદાવાદની મુલાકાતે છે ત્યારે આખુંય શહેર અભેદ્ય કિલ્લામાં ફેરવી દેવાયું છે, જો કે આટલી ચૂસ્ત સુરક્ષા છતાંય કોઈ રિસ્ક ન લેવા માગતી સિક્યોરિટી એજન્સીઓએ મોદી અને ઈઝરાયેલના પીએમનો રોડ શો બંધ કારમાં જ કરાવતા આશ્ચર્ય સર્જાયું હતું. સામાન્ય રીતે રોડ શોમાં ખુલ્લી ગાડીમાં નેતાઓ ઊભા રહી લોકોનું અભિવાદન ઝીલતા હોય છે. પરંતુ આજના રોડ શોમાં ખુલ્લી ગાડીમાં અભિવાદન ઝીલવાના કોઈ દૃશ્ય જોવા મળ્યા ન હતા. અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી અને નેતન્યાહુનો રોડ શો આજે સવારે સાડા દસ વાગ્યે એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી થવાનો હતો. જો કે, નેતન્યાહુના આગમનમાં ૪૫ મિનિટ જેટલું મોડું થઈ જતાં રોડ શો પણ મોડો શરૂ થયો હતો. રોડ શો દરમિયાન પણ બંને નેતાઓએ કારની બહાર આવવાનું ટાળ્યું હતું અને કારની અંદર જ બેસીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું અને સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝલક પણ માણી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં જ જાપાનના પીએમ શિન્જો આબે અમદાવાદ આવ્યા હતા અને તેમણે મોદી સાથે ખુલ્લી જીપમાં ભવ્ય રોડ શો કર્યો હતો. તેવો જ રોડ શો મોદી અને નેતાન્યાહુ પણ કરશે તેમ મનાઈ રહ્યું હતું. જો કે, તેમણે ખુલ્લી જીપને બદલે બંધ કારમાં જ બેસીને રોડ શો કર્યો હતો. આબેને રોડ શો કરી ગાંધી આશ્રમ જતા એકાદ કલાકનો સમય થયો હતો, જ્યારે નેતન્યાહુ અને મોદીનો રોડ શો ગણતરીની મિનિટોમાં જ એરપોર્ટથી ગાંધી આશ્રમ પહોંચી ગયો હતો. નરેન્દ્ર મોદી અને નેતન્યાહુ બંને હાઇ રિસ્ક કેટેગરીમાં આવતા વડાપ્રધાન છે અને આ બંને નેતાઓ ઇન્ટરનેશનલ થ્રેડ કેડટરમાં સમાવિષ્ટ છે અને તેથી જ તેઓ તેમના દેશમાં હોય કે બીજા કોઇ દેશમાં પરંતુ બીજા મહાનુભાવોની સરખામણીએ તેમની સુરક્ષા અને સલામતી વધુ ચુસ્ત અને અભેદ્ય હોય છે. અમદાવાદ એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધીના સમગ્ર રૂટમાં બંને દેશોના મહાનુભાવો અને તેમની સાથેના પ્રતિનિધિઓની સુરક્ષાને લઇ લોખંડી સલામતી વ્યવસ્થા અને અભેદ્ય સુરક્ષા કવચ તૈનાત કરાયા હતા. સુરક્ષાના કારણોસર રૂટની બંને બાજુના બિલ્ડીંગોમાં ઇઝરાઇયલની એજન્સી મોસાદના સ્નાઇપર્સ ગોઠવાયા હતા. ગાંધીઆશ્રમની આસપાસના બિલ્ડીંગોમાં પણ એક કિ.મીના પટ્ટામાં સ્નાઇપર્સ તૈનાત કરાયા હતા. એટલું જ નહી, મોદી અને નેતન્યાહુના રોડ-શોેના કાફલાની સુરક્ષા માટે સાત લેયરનું સુરક્ષા ચક્ર ઉભુ કરવામાં આવ્યું હતું. જેમાં આઠ કિ.મીના સમગ્ર રૂટમાં એક કિ.મીના રૂટની સલામતીની જવાબદારી એક ડીસીપી કક્ષાના અધિકારીને સોંપાઇ હતી, સાત લેયરના સુરક્ષા ચક્ર માટે બે હજારથી વધુ પોલીસ કર્મચારીઓ ખડેપગે તૈનાત રહ્યા હતા. રોડ-શોના માર્ગ પર બંને તરફ સ્ટેજ પર નાના બાળકો અને યંગસ્ટર્સના ગુજરાતની પરંપરાગત સંસ્કૃતિ અને ઇતિહાસને રજૂ કરતાં લોકનૃત્યો અને કલાત્મક સાંસ્કૃતિક ઝાંખીઓ જોઇ ઇઝરાયલના વડાપ્રધાન અને તેમના પત્ની ભારે પ્રભાવિત થયા હતા. તેઓ આખરે ગાંધી આશ્રમ પહોંચ્યા હતા. બંને મહાનુભાવોની સુરક્ષાને લઇ રિવરફ્રન્ટ ખાતે પણ એક ડીસીપી, બે એસીપી, ૨૦ પીઆઇ, ૪૭ પીએસઆઇ, ૬૯૫ હેડ કોન્સ્ટેબલ-કોન્સ્ટેબલ અને ૬૪ મહિલા કોન્સ્ટેબલનો કાફલો તૈનાત કરાયો હતો.
નેતાન્યાહુએ ગાંધી આશ્રમમાં ચરખો કાંત્યો, પતંગ ચગાવ્યો

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર,તા.૧૭
ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહુ અને તેમના પત્ની સારા આજે વડાપ્રધાન મોદી સાથે રોડ-શો કરતાં ગાંધીઆશ્રમ ખાતે પહોંચ્યા ત્યારે તેમનું આશ્રમના સંચાલકો અને નાની કિશોરીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. નેતન્યાહુ અને તેમના પત્નીએ ગાંધીજીની પ્રતિમા અને તસવીરને સૂતરની આંટી પહેરાવી નમન કર્યા હતા તો, બીજીબાજુ, વડાપ્રધાન મોદીના આગતાસ્વાગતા અને ગુજરાતની પરંપરાગત પતંગની લોકસંસ્કૃતિની લુત્ફ ઉઠાવવાના આશયથી નેતન્યાહુએ મોદીની સાથે ગાંધીઆશ્રમ ખાતેથી પંતગ પણ ચગાવ્યો હતો. આ દ્રશ્યો જોઇ સૌકોઇ ખુશ થઇ ગયા હતા. નેતન્યાહુએ ગાંધી આશ્રમની વીઝીટર બુકમાં નોંધ લખતા ગાંધીજીના જીવનને પ્રેરણાદાયી ગણાવી આશ્રમની મુલાકાતથી પ્રભાવિત થયા હોવાનું જણાવ્યું હતું. મોદીએ પર્સનલી ગાંધી આશ્રમની એક એક ઓરડી અને તેમાં સુરક્ષિત જાળવી રખાયેલી ગાંધીજીની ચીજવસ્તુઓ અને ઐતિહાસિક બાબતોનો પરિચય કરાવી તેની ઉંડી સમજ અને જાણકારી આપ્યા હતા. દરમ્યાન મોદી અને નેતાન્યાહુએ હૃદયકુંજની મુલાકાત લઇ ત્યાં ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી નમન કર્યા હતા. બાદમાં મોદીના ભાવને ધ્યાનમાં રાખી નેતાન્યાહુએ તેમની સાથે પતંગ ચગાયો હતો. નેતાન્યાહુ સાથે તેમના પત્ની સારાએ પણ પતંગ ચગાવવાની મોજ માણી હતી. તો મોદીએ પણઘણા સમય પછી પતંગ ઉડાડવાનો લ્હાવો લીધો હતો. બંને મહાનુભાવોની ગાંધી આશ્રમની મુલાકાતને લઇ અહીં પણ પોલીસ તંત્ર અને સુરક્ષા એજન્સીઓએ લોખંડી સુરક્ષા વ્યવસ્થા ખડકી હતી.આ સિવાય ઇઝરાયલના સ્નાઇપર્સને પણ ગાંધીઆશ્રમની ફરતે એક કિલોમીટરના પટ્ટામાં સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે તૈનાત કરાયા હતા.