અમદાવાદ, તા.૬
એશિયાની સૌથી મોટી અમદાવાદની સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં સપડાઈ છે. શહેરની સિવિલ હોસ્પિટલ સંકુલમાં આવેલી બી.જે.મેડિકલ કોલેજની હોસ્ટેલમાં ગઇકાલે થર્ડ એમબીબીએસના સર્જરી વિભાગના એક દલિત વિદ્યાર્થીએ સ્થાનિક ડોકટરોના ત્રાસથી કંટાળી ગઇકાલે ઉઁઘની ગોળીઓ ખાઇ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને પગલે જબરદસ્ત ચકચાર મચી ગઇ હતી. આ સમગ્ર પ્રકરણમાં બી.જે.મેડિકલ કોલેજમાં જ અભ્યાસ કરતાં નવ ડોકટરો વિરૂધ્ધ એટ્રોસીટી એકટ હેઠળ શાહીબાગ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આ નવ ડોકટરો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. બીજીબાજુ, મામલાની ગંભીરતા જોતાં રાજય સરકારે પણ તપાસના આદેશો જારી કર્યા છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, બી.જે.મેડિકલ કોલેજમાં થર્ડ એમબીબીએસમાં અભ્યાસ કરતાં મૂળ તામિલનાડુના વતની એવા મરીરાજ નામના યુવકે ગઇકાલે સાંજે કોલેજેની હોસ્ટેલના રૂમ નં-૩૦૬માં ઝેરી દવાની ગોળીઓ વધુ પ્રમાણમાં ગળીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને પગલે સમગ્ર સિવિલ હોસ્પિટલમાં કેમ્પસમાં ભારે ચકચાર મચી ગઇ હતી. મરીરાજને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. બનાવની જાણ થતાં શાહીબાગ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. પોલીસે હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, પીડિત યુવક મરીરાજને હોસ્ટેલમાં રહેતા અન્ય તબીબી શાખાના વિદ્યાર્થીઓ દ્વારા અપમાનજનક વ્યવહાર અને વર્તન કરવામાં આવતા હતા અને તેને ત્રાસ અપાતો હતો. મરીરાજે કોલેજના ઉપરી અધિકારીઓ અને સંબંધિત સત્તાવાળાઓને વારંવાર રજૂઆત કરી હોવાછતાં કોઇ પગલાં નહી લેવાતાં કંટાળીને તેણે છેવટે આ પગલું ભર્યું હતું. દલિત વિદ્યાર્થીની ફરિયાદના આધારે પોલીસે બી.જે.મેડિકલ કોલેજના ડો. ઉત્કર્ષ શાહ, નીલ પટેલ, બીના એમ. શાહ, પંકજ મોદી, પાર્થ દલાલ, ગુણવંત રાઠોડ, જયેશ પરીખ, પ્રશાંત મહેતા અને વિક્રમ મહેતા વિરૂધ્ધ જાતિવાચક તેમ જ અપમાનજનક શબ્દો ઉચ્ચારવા બદલનો એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. સિવિલ કેમ્પસમાં નવ ડોકટરો વિરૂધ્ધની ફરિયાદના ચકચારભર્યા પ્રકરણની વાત રાજય સરકાર સુધી પહોંચતા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ઇશ્વરભાઇ પરમારે આ મામલામાં યોગ્ય તપાસના નિર્દેશો આપ્યા હતા. જેથી સિવિલ હોસ્પિટલ સત્તાવાળાઓએ સમગ્ર પ્રકરણની ઝીણવટભરી તપાસ આરંભી છે.