(એજન્સી) તા.ર૭
યુનાઈટેડ સ્ટેટ દ્વારા ભારત સહિત તમામ દેશોને નવેમ્બર સુધીમાં ઈરાનમાંથી તમામ પ્રકારના તેલની આયાત અટકાવવા નિર્દેશ આપવામાં આવ્યો છે. શું આ નિર્દેશ ભારત અને ચીન પર પણ સમાનરૂપે લાગુ પડે છે. એવા પ્રશ્નના જવાબમાં અધિકારીને જણાવ્યું કે, ભારતીય અને ચીની કંપનીઓ પર સમાન દંડપાત્ર પ્રતિબંધો છે. બળતણની વધુ પડતી જરૂરિયાતોને પગલે ભારત અને ચીન ઈરાની તેલના મુખ્ય આયાતકારો છે. અધિકારીએ જણાવ્યું કે, આ દેશોએ ઈરાનની તેલ આયાતોને ઘટાડવાનું શરૂ કરી ૪ નવેમ્બર સુધી સદંતર બંધ કરી દેવી જોઈએ. આ પગલું ટ્રમ્પ સરકારના ઈરાનના નાણાંકીય ભંડોળની સિમિત કરવાના લક્ષ્યને પગલે લેવામાં આવ્યું છે. અધિકારીએ દાવો કર્યો કે વિશ્વના મોટાભાગના દેશો આ મુદ્દે યુએસએનો સાથ આપશે કારણ કે તેઓ પણ આ મુદ્દાને જોખમરૂપ ગણે છે. નોંધનીય છે કે, ભારત અને ઈરાનના આર્થિક સંબંધો વર્ષોથી ઘણા ગાઢ છે. આ મુદ્દે ભારત કેવું વલણ અપનાવશે તે હવે પ્રશ્ન છે. ભારત હંમેશાથી સંયુક્ત રાષ્ટ્ર સમિતિમાં પસાર થયેલ ઠરાવ મુજબના જ પ્રતિબંધો સ્વીકારતું આવ્યું છે. ભારત હવે યુએસએ સાથેના સંબંધોને પ્રાધાન્યતા આપશે કે કેમ તે જોવું રહ્યું.