(એજન્સી) વોશિંગ્ટન, તા. ૧
અમેરિકાના બે પ્રભાવશાળી સાંસદોએ ભારત અને પાકિસ્તાનના સંઘર્ષનો શાંતિપૂર્ણ ઉકેલ શોધવા અંગે વિચાર કરવાની અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અનુરોધ કર્યો છે. બંને સાંસદોએ આ સાથે જ બંને દેશો વચ્ચેના વિવાદના કારણો દૂર કરવા માટે ભારત અને પાકિસ્તાન પર દબાણ વધારવા પ્રાદેશિક તાકતો સાથે મળીને કામ કરવાનું પણ કહ્યું છે. અમેરિકાના કન્સાસના સેનેટર જેરી મોરાન અને ન્યૂહેમ્પશાયરના સાંસદ જીન શાહીનેે એક પત્રમાં જણાવ્યું છે કે કાશ્મીર ક્ષેત્રમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી ખતરનાક સ્થિતિને તાકીદે દૂર કરવી જોઇએ. પાકિસ્તાન ત્રાસવાદી સંગઠનો સામે વધુ કાર્યવાહી કરે, તેની ખાતરી કરવાનું પણ તેમણે ડોનાલ્ડ ટ્રમ્પને કહ્યું છે. બંને સાંસદોએ કહ્યું કે તેમને ચિંતા છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનું આ સંકટ યુદ્ધમાં રૂપાંતર થઇ શકે છે. બંને દેશોની સરહદોએ હજાર સૈનિકો અને તોપો ગોઠવાયેલી છે તેમ જ વિસ્તારમાં ભારે ગોળીબાર અને તોપમારો કરાયો છે.
બંને સાંસદોએ કહ્યું કે અમે અમેરિકા દ્વારા જાહેર કરાયેલી ત્રાસવાદી સંગઠનોની યાદીમાં સામેલ પાકિસ્તાની ત્રાસવાદી સંગઠનોના હુમલાના જવાબમાં ભારતના આત્મરક્ષાના અધિકારની પુષ્ટિ કરીએ છીએ અને ભારતના પકડાયેલા વાયુ દળના પાયલટને મુક્ત કરવાના પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાનના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ.