(એજન્સી) તા.૧૧
અમેરિકી સેનેટની ઈમારતને સેંકડો દેખાવકારોએ ઘેરી લઈને માગણી કરી હતી કે, અમેરિકી કોંગ્રેસ ઈમિગ્રેશન બિલને મંજૂરી આપે. દેખાવકારોએ ધારદાર પ્રદર્શનો કરતાં માગણી કરી હતી કે દસ્તાવેજ વગરના ઈમિગ્રન્ટને મંજૂરી આપવામાં આવે કે તેઓ તેમના બાળકોને અમેરિકા લાવીને પોતાની સાથે રાખી શકે. લગભગ ૧ હજારથી વધુ દેખાવકારો એકાએક સેનેટની ઈમારતને ઘેરી વળ્યા હતા અને તેમણે બેનરો બતાવી તથા જોરદાર સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરતાં કહ્યું હતું કે, અમારા સપનાના કાયદાને વહેલા તે પહેલાના ધોરણે મંજૂરી આપો એવી અમારી માગણી છે. હાલમાં અમેરિકામાં લગભગ ૮ લાખ જેટલા ઈમિગ્રન્ટ્સ છે અને તે માગણી કરી રહ્યા છે કે, તેમને પોતાના પરિવાર અને બાળકોને અમેરિકામાં લાવીને વસાવવાની મંજૂરી આપવામાં આવે. કાર્યકર્તાઓને મોટો બેનર પણ દેખાડ્યો હતો જેમાં લખ્યું હતું કે, અમેરિકી કોંગ્રેસ અમારી માગણી છે જલ્દી અમારા સપના પૂરા કરો ઈમિગ્રન્ટ કાયદાને મંજૂરી આપો. જો કે આ દરમિયાન પાટનગરની પોલીસ દ્વારા કેટલાક દેખાવકારોની અટકાયત પણ કરવામાં આવી હતી. જો કે આ દેખાવો પણ ટ્રમ્પ સરકાર દ્વારા ડિફર્ડ એક્શન ફોર ચાઈલ્ડહૂડ અરાઈવલ્સને રદ કરાયાના બે મહિના બાદ કરવામાં આવ્યા છે. જૂન ર૦૧રમાં પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાની સરકાર દ્વારા ડ્રીમ એક્ટ તૈયાર કરાયો હતો. ડીએસીએ કાર્યક્રમ હેઠળ જે બાળકો દસ્તાવેજ વિના અમેરિકા લવાયા છે તેઓ જો જરૂરી માપદંડો પર સાચા સાબિત થાય તો તેમને કામચલાઉ ધોરણે રહેવાની મંજૂરી આપવામાં આવે અને તેમને દેશની સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવે. અમેરિકામાં લગભગ આવા ૮ લાખ ડ્રીમર્સ રહે છે. જેમાં મોટાભાગના મેક્સિકો તથા લેટિન અમેરિકી દેશોથી આવ્યા છે. આવા બાળકોને મજબૂત સુરક્ષા આપવાની માગણીને લોકો ટેકો આપી રહ્યા છે લગભગ ૮૬ ટકા લોકો દેશમાં કહે છે કે, આવા બાળકોને અમેરિકામાં રહેવા દેવાની મંજૂરી આપવામાં આવે.