(એજન્સી) તા.૨૦
ઇરાનના સાંસદોએ તાજેતરમાં જ એક તાકિદે બિલ પસાર કર્યું છે જેમાં અમેરિકી સેના અને ગુપ્તચર એજન્સીઓને મિડલ ઇસ્ટમાં આતંકીઓને શરણ આપનારા અને તેમને સમર્થન આપનાર કહેવાયા છે. મંગળવારે ઇરાનની સંસદમાં આ બિલ પસાર કરવામાં આવ્યું હતું. અમેરિકી સરકાર અને દેશની સેના તથા ગુપ્તચર એજન્સીઓ દ્વારા આતંકવાદીઓને સમર્થન આપવાના દૃષ્ટિકોણ તથા અમેરિકી અધિકારીઓ તથા ગુપ્તચરો દ્વારા વારંવાર કબૂલાત કરવામાં આવતા કે અમેરિકા એક આતંકવાદને જન્મ આપનારો દેશ છે અને આતંકવાદી સંગઠનોને દરેક પ્રકારે ટેકો આપે છે તેની સામે સ્ટેન્ડ લેતાં ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઇરાને સમગ્ર અમેરિકા અને તેની સેના તથા ગુપ્તચર સંસ્થાઓને આતંકી સમર્થક ગણાવી દીધી છે. બિલ પસાર કરીને ઇરાને કહ્યું છે કે અમેરિકા તેના ક્ષેત્રમાં આતંકવાદને ઉછેરે છે. આ બિલમાં કેટલાક મુદ્દાઓનો પણ સમાવેશ કરાયો છે જેમાં એક, અમેરિકી સેના અને ગુપ્તચર એજન્સીઓ તથા તેના વરિષ્ઠ અધિકારીઓ તથા કમાન્ડરો આતંકવાદી સંગઠનોને ટેકો આપે છે. બીજો, અમેરિકી સેના અને ગુપ્તચર એજન્સીઓ દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓમાં અમેરિકી પ્રજા મહત્વની ભૂમિકા ભજવે છે. ત્રીજો, ઇરાની સરકાર અને તેના નાગરિકો વિરુદ્ધ અમેરિકી નાગરિકો ઓર્ગેનાઇઝિંગ, ફાઇનાન્સિંગ તથા આતંકી પ્રવૃત્તિઓમાં મહત્વની ભૂમિકા અદા કરે છે. ચોથો, અમેરિકી નાગરિકો મુજાહિદ્દિન-એ-ખલ્ક ઓર્ગેનાઇઝેશ, આઇએસ તથા અલ-નુસરા ફ્રન્ટ જેવા કટ્ટરવાદીઓ તથા આકા જભાત ફતેહ અલ-શામ જેવા આતંકી સંગઠનોને પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે ટેકો આપે છે. જ્યારે પાંચમો મુદ્દો એ છે કે પેલેસ્ટાઇની નાગરિકો તથા લેબેનોનના નાગરિકો વિરુદ્ધ કરવામાં આવતાં ઇઝરાયેલના અત્યાચાર અને આતંકને પણ અમેરિકા ટેકો આપે છે. આ બિલ દ્વારા ઇરાનમાં અમેરિકી નાગરિકો પર વિવિધ દંડ અને સજાની જોગવાઇ કરાઇ છે. તેમને વિઝા ઇશ્યૂ કરવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. ઇરાનની બેન્કોમાં તથા ઇસ્લામિક રિપબ્લિકમાં આવેલી અમેરિકીઓની દરેક મિલકતો અને ખાતા જપ્ત કરી લેવાની જોગવાઇ કરવામાં આવી છે. જોકે આતંકવાદને નાથવા માટે ઇરાની સરકારને અપીલ કરવામાં આવી છે કે તે સેનાને રપ૦ મિલિયન ડોલરની મદદ કરે છે.