(સંવાદદાતા દ્વારા)
મહેસાણા,તા.૩૧
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ઉદ્યોગપતિ મિત્રોને ફાયદો પહોંચાડવા રાફેલ સોદો કર્યો હોવાના આક્ષેપ કરતા આજે મહેસાણા ખાતે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે જણાવ્યું હતું કે પર૬ કરોડના રાફેલ વિમાન રૂા. ૧૬૭૧ કરોડમાં ખરીદવાનો નિર્ણય કરી કેન્દ્રની એન.ડી.એ સરકારે દેશને રૂા.૪૧ર૦પ કરોડનું નુકસાન કર્યું છે. રાષ્ટ્રીય સુરક્ષાના નામે રાફેલ વિમાનની કિંમત સહિતની વિગતો સંતાડી ગોટાળો કરવામાં આવ્યો છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિની ભાગીદારીની ફિલ્મ રિલીઝ કરવાની જવાબદારી સ્વીકારનાર અનિલ અંબાણીની રમકડાના વિમાનના પાર્ટસ પણ ન બનાવતી કંપનીને રાફેલ વિમાન ખરીદીનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. જેથી વડાપ્રધાન અને રક્ષામંત્રી રાફેલ સોદામાં થયેલા ગોટાળાનું સત્ય પ્રકાશમાં ન આવી જાય તેવો પ્રયાસ કરી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે રાષ્ટ્રભકિતના દંભ કરનારાઓએ રાફેલ સોદામાં દેશની પ્રજાને ચુનો ચોપડી રાજદ્રોહ કર્યો છે. જેથી આ પ્રકરણમાં લોકો સુધી સત્ય પહોંચાડવા કોંગ્રેસ દેશભરમાં જનજાગૃતિ ઝુંબેશ શરૂ કરી છે. મહેસાણા ખાતે યોજાયેલી બેઠકમાં એઆઈસીસીના મંત્રી જીતેન્દ્ર બધેલ, જયરાજસિંહ પરમાર, નરેશ રાવલ સહિતના કોંગી આગેવાનો હાજર રહ્યા હતા.