અમદાવાદ, તા.૪
કેન્દ્રની મોદી સરકારે પેટ્રોલ અને ડીઝલના એકસાઈઝમાંથી છેલ્લા બાવન મહિનામાં દેશની પ્રજા પાસેથી રૂા.૧ર.૭૬ લાખ કરોડ ખંખેરી લીધા બાદ પ્રજાના અસહ્ય આક્રોશને ઠારવા માત્ર અઢી રૂપિયાનો ઘટાડો કરીને દેશના નાગરિકોને લોલીપોપ આપી છે. જો ક્રૂડના આંતરરાષ્ટ્રીય બજારભાવને ધ્યાને લઈએ તો હાલ દેશના નાગરિકોને પેટ્રોલ રૂા.૪પ અને ડીઝલ રૂા.૩પ પ્રતિ લિટરના ભાવે આપી શકાય તેમ છે. મોદી સરકારની નીતિ અને નિયત સાફ હોય તો પેટ્રોલ-ડીઝલ સહિતની પેટ્રોલિયમ પ્રોડક્ટને જીએસટીમાં સમાવેશ કરી રાહત આપવાની માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, કેન્દ્રની મોદી સરકાર અને રાજ્યની ભાજપ સરકાર દ્વારા જુદા-જુદા ટેક્ષ અને સેસના નામે પ્રજાને લૂંટવામાં આવે છે. કોંગ્રેસ પક્ષ દ્વારા દેશની પ્રજાને રાહત મળે તે માટે ભારત બંધનું એલાન આપ્યું હતું, અને સરકાર પર દબાણ લાવ્યા હતા. આગામી પાંચ રાજ્યોની ચૂંટણી ત્યારબાદ લોકસભાની ચૂંટણીમાં હારનો ડર લાગતાં નજીવો ભાવ ઘટાડવામાં આવ્યો છે. મોદી સરકાર દેશના નાગરિકોને પુરતી રાહત આપે તેવી કોંગ્રેસ પક્ષની માંગ છે. ગુજરાતની ભાજપ સરકાર પેટ્રોલ-ડીઝલ પર ૨૪ ટકા જેટલો વેટ + સેસ ઉઘરાવતી હોવાથી પ્રજા મોંઘવારીના મારથી પરેશાન- મોંઘવારી આસમાને પહોંચી છે. કેન્દ્ર સરકારે કુદરતી ગેસના ભાવમાં ૬ ટકાનો વધારો કર્યો છે. સાથો સાથ રાંધણ ગેસની કિંમતમાં પણ વધારો થયો છે. ખાનગી ગેસ કંપનીઓએ સી.એન.જી. – પી.એન.જીની કિંમતમાં વધારો ઝીંકી દીધો છે. આ ભાવ વધારાથી વીજળી અને યુરિયા ઉત્પાદનનો ખર્ચ વધશે. મોદી શાસનમાં પેટ્રોલમાં ૨૧૧ ટકા અને ડીઝલમાં ૪૪૩ ટકાથી વધુ કુલ ૧૨ વાર એક્સાઈઝમાં વધારો ઝીંકવામાં આવ્યો. જ્યારે કેરોસીનમાં ૩૧.૨ ટકા અને જાહેર વિત્તરણ વ્યવસ્થામાં ૩૧.૮૬ ટકા વધારાથી પેટ્રોલ-ડિઝલ, સી.એન.જી. -પી.એન.જીમાં મોદી સરકાર દ્વારા ચલાવવામાં આવતી લૂંટ, અને કાળઝાળ મોંઘવારી થી જનતા ત્રાહીમામ પોકારી રહી છે. પ્રજા મોંઘવારીથી ત્રસ્ત છે અને ભાજપ સરકાર – મોદી સરકાર ઉત્સવોમાં મસ્ત અને વ્યસ્ત છે. મોદી સરકારની જનવિરોધી નીતિના પરિણામે ઓઈલ કંપનીઓ કરોડો રૂપિયા ગ્રાહકો પાસેથી વસૂલ કરીને મોટી નફાખોરી કરી રહ્યા છે અને ભાવ ઘટાડાનો લાભ દેશના સામાન્ય નાગરિકને આપવામાં આવતો નથી.