(એજન્સી) તા.૩૦
ર૦૧૯ની સામાન્ય ચૂંટણીઓ પહેલાં મતદારો સુધી પહોંચવા માટે ભાજપે ‘સમર્થન માટે સંપર્ક’ નામનો પ્રચાર અભિયાન શરૂ કર્યો છે. ભાજપનો લક્ષ્ય આવનારા ૧પ દિવસોમાં સમગ્ર દેશની ૧ લાખ મહત્ત્વની વ્યક્તિઓ સાથે મુલાકાત કરી તેમને મોદી સરકારની ચાર વર્ષની સિદ્ધિઓથી માહિતગાર કરવાનો છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે મંગળવારે સેનાના પૂર્વ અધ્યક્ષ જનરલ દલબીરસિંઘ સુહાગની મુલાકાત લઈ આ અભિયાનની શરૂઆત કરી હતી. આ પ્રચાર કાર્યક્રમના ભાગરૂપે ભાજપના ૪૦૦૦ પદાધિકારીઓને તૈયાર કરવામાં આવ્યો છે. એક પદાધિકારી રપ મહત્ત્વની વ્યક્તિઓની રૂબરૂ મુલાકાત લેશે. આ વ્યક્તિઓમાં ખાસ કરીને ન્યાયતંત્ર, સેના, સાહિત્ય, કળા, સિનેમા, સંગીત, રમત-ગમત, ધાર્મિક સંગઠનો, પત્રકારિત્વ, વ્યાપાર, ખેતી સંગઠનો અને મોટા ઉદ્યોગગૃહોમાં કામ કરતી વ્યક્તિઓ છે જેમાં ખાસ કરીને નિવૃત્ત થયેલા લોકો પર વધારે ધ્યાન આપવામાં આવ્યું છે જે પદાધિકારીઓ નક્કી કરવામાં આવ્યા છે તેમાં ભાજપના કેન્દ્રીય તેમજ રાજ્યના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, જિલ્લા પ્રમુખો અને ટોચના નેતાઓનો સમાવેશ થાય છે. જનરલ સુહાગ સાથે મુલાકાત કર્યા પછી અમિત શાહે લોકસભાના પૂર્વ જનરલ સેક્રેટરી અને બંધારણ નિષ્ણાત સુભાષ કશ્યપ સાથે મુલાકાત કરી હતી.