Ahmedabad

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ આજથી બે દિવસ વતન ગુજરાતની મુલાકાતે

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૭
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ આવતીકાલે તા.ર૮ ઓગસ્ટના રોજ બે દિવસ માટે આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ગુજરાતમાં બે દિવસથી મુલાકાત દરમ્યાન તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.
ઉપરાંત વિધાનસભાની યોજાનારી પેટાચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા અંગે તથા મંત્રીમંડળમાં ફેરફાર અંગે પણ ચર્ચા કરે તેવી શક્યતા છે.
અમિત શાહ ગુજરાતના પ્રવાસ દરમિયાન ભાજપના નેતાઓ સાથે રૂપાણી મંત્રીમંડળમાં ફેરફાર કરવાની ચર્ચા કરી શકે છે. આ ઉપરાંત સંગઠનમાં આમૂલ પરિવર્તન કરી ગુજરાત ભાજપના સંગઠનની બાગડોર સોંપવા અગે પણ નિર્ણય લઇ શકે છે.ગુજરાત ભાજપના નેતાઓ અમિત શાહના આ મુલાકાતને ગુજરાતના રાજકારણ માટે મહત્વની માની રહ્યાં છે. કાશ્મીરમાંથી ૩૭૦ અને ૩૫એની કલમને હટાવવાના નિર્ણય લીધા બાદ દેશના ગૃહમંત્રી અમિતશાહ પ્રથમવાર ગુજરાત આવી રહ્યા છે ત્યારે ભાજપના કાર્યકરો તેમને આવકારવા અને અભિનંદન આપવા થનગનાટ અનુભવી રહ્યા છે. તારીખ ૨૮ ઓગસ્ટના રોજ રાત્રે ૯ વાગ્યે તેઓ અમદાવાદ આવશે ત્યારે એરપોર્ટ પર ભાજપ કાર્યકરો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાશે. આગામી તારીખ ૨૯ ઓગસ્ટના રોજ અમિત શાહ સવારે ૧૦.૧૫ કલાકે સાયન્સ સીટી રોડ, અમદાવાદ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આયોજીત મીલેનીયમ ટ્રી કાર્યક્રમના સમાપન પ્રસંગે વૃક્ષારોપણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તેમજ વિશ્વની સૌ પ્રથમ બેટરી સંચાલિત સીટીબસને પ્રસ્થાન કરાવશે. ત્યારબાદ ભારત સરકારના ‘દિશા’ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર ખાતે યોજાનાર બેઠકમાં બપોરે ૩ કલાકે ઉપસ્થિત રહેશે તેમજ ગાંધીનગર સ્થિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય પેટ્રોલિયમ યુનિવર્સીટીના ૭માં પદવીદાન સમારોહમાં સાંજે ૫ કલાકે અમિત શાહ ઉપસ્થિત રહેશે. તારીખ ૨૯ ઓગસ્ટના રોજ રાત્રે તેઓ દિલ્હી જવા રવાના થશે.