Site icon Gujarat Today

અમિત શાહ કેસની સુનાવણી કરી રહેલા જજના રહસ્યમય મોતના પુરાવા પત્રકાર નિરંજન ટાકલે પાસે !!!

(એજન્સી) અમદાવાદ, તા. ૨૩
બૃજગોપાલ હરકિશન લોયાને ઓક્ટોબર ૨૦૧૪માં સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસ મળ્યો હતો. તેમણે અમિત શાહને આરોપ ઘડાવા સુધી અંગત રીતે હાજર રહેવા સામે છૂટ આપી હતી. પરંતુ તેમણે એ વાતે નારાજગી વ્યક્ત કરી હતી કે, અમિત શાહ મુંબઇમાં હોવા છતાં કોર્ટમાં હાજર રહ્યા નહોતા. લોયાએ ૧૫ ડિસેમ્બરના રોજ આગામી સુનાવણી નક્કી કરી હતી પરંતુ પહેલી ડિસેમ્બરે જ તેમનું રહસ્યમય મોત થયું હતું અથવા તેમની કથિત રીતે હત્યા કરી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, મુંબઇમાં સીબીઆઇના સ્પેશિયલ કોર્ટના ૪૮ વર્ષના જજ બૃજગોપાલ હરકિશન લોયાનું સ્વાસ્થ્ય સારૂં હતું અને તેઓ દરરોજ બે કલાક ટેનિસ રમતા હતા અને તેમના પરિવારમાંથી કોઇ હાર્ટએટેકનો દર્દી હોય તેવો કોઇ ઇતિહાસ નથી. તેમના આશરે ૮૦ વર્ષના માતા-પિતા પણ હજુ જીવિત છે અને તેમનું સ્વાસ્થ્ય પણ સારૂં છે. જજ લોયા પોતાના સાથી જજની પુત્રીના લગ્નમાં નાગપુરમાં ૨૯મી નવેમ્બર ૨૦૧૪ના રોજ સામેલ થયા હતા અને ત્યાંથી પણ તેઓએ ૩૦મીના રાતે ૧૧ કલાકે પોતાની પુત્રી સાથે વાત કરી હતી. બાદમાં જણાવાયું કે, રાતે ૧૨.૩૦ કલાકે તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો.
અંગ્રેજી સામયિક કારવાંના પત્રકાર નિરંજન ટાકલેએ કેટલાક એવા પુરાવા મેળવ્યા છે જેના કારણે સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસમાં નાગપુર પોલીસ, આરએસએસ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સામે શંકાના વાદળો ઘેરાય છે. આ કેસની સુનાવણી સીબીઆઈ અદાલતમાં ચાલી રહી હતી. સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો હતો કે, ચુકાદા સુધી ફક્ત એક જ જજ સુનાવણી કરશે. સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં કારવાંમાં પ્રકાશિત વધુ એક સનસનાટીપૂર્ણ રિપોર્ટમાં ટાકલેએ જણાવ્યું હતું કે, મુંબઇમાં સીબીઆઇના વિશેષ અદાલતના જજ બૃજગોપાલ લોયાને બોમ્બે હાઇકોર્ટના તત્કાલિન મુખ્ય ન્યાયાધીશ મોહિત શાહે સોહરાબુદ્દીન કેસમાં અમિત શાહના પક્ષમાં ચુકાદો આપવા માટે ૧૦૦ કરોડ રૂપિયાની ઓફર કરી હતી. લોયાના બહેન અનુરાધા બિયાનીએ ટાકલેને જણાવ્યું હતું કે, મારા ભાઇને ૧૦૦ કરોડ રૂપિયાની લાંચ આપવાની ઓફર કરાઇ હતી અને તે ખુદ મોહિત શાહે ઓફર કરી હતી. લોયાના પિતાએ પણ જણાવ્યું કે, તેમના પુત્રને આ પ્રકારની ઓફર કરાઇ હતી.
ઉલ્લેખનીય છે કે, ઇશરત જહાં કેસમાં પ્રથમ જજની બદલી નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યાના એક મહિનાની અંદર ૨૫મી જૂને કરી દેવામાં આવી હતી. જજે અમિત શાહને અદાલતમાં હાજર થવા અંગે કડકાઇ કરી હતી. અમિત શાહના વકીલે કહ્યું હતું કે તેમને ડાયાબિટીશની બીમારી છે તેથી તેમને આવવામાં મુશ્કેલી પડે છે. મે ૨૦૧૪માં ચૂંટણી જીત્યા બાદ અમિત શાહના વકીલે અદાલતને જણાવ્યું હતું કે, તેઓ દિલ્હીમાં વ્યસ્ત છે. ટાકલેએ રિપોર્ટમાં જણાવ્યું છે કે, તેનાથી ઘણી શંકા જાય છે કે, તેમની સ્વતંત્ર તપાસ થવી જોઇએ.
સનસનાટીપૂર્ણ સવાલો :
૧. જે બે સાથી જજના કહેવા પર તેઓ તેમની સાથે નાગપુર લગ્નમાં સામેલ થવા માટે ગયા હતા તેમણે મૃતકના પરિવાર સાથે દોઢ મહિના સુધી મુલાકાત પણ નહોતી કરી અને પોતાના સાતી જજના મૃતદેહ સાથે તેમના પૈતૃક ગામ લાતૂર પણ નહોતા ગયા.
૨. નાગપુરમાં આ તમામ જજો વીઆઇપી ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા પરંતુ એવો દાવો છે કે, તેમને એક ઓટોરિક્ષામાં ખાનગી હોસ્પિટલમાં જઇ જવાયા હતા.
૩. રવિભવનથી ઓટોરિક્ષા સ્ટેન્ડ બે કિલોમીટર દૂર છે અને સામાન્ય રીતે દિવસે પણ ગેસ્ટ હાઉસની નજીક ઓટો રિક્ષા મળતી નથી. તેમને અડધી રાત બાદ ઓટો રિક્ષા કેવી રીતે મળી ગઇ ?
૪. લોયાને એક નાની ખાનગી ડોંડા હોસ્પિટલમાં શા માટે લઇ જવામાં આવ્યા ?
૫. જજે દાવો કર્યો છે કે, લોયા ડાંડે હોસ્પિટલમાં પોતે સીડીઓ ચડીને ગયા હતા અને ત્યાં તેમને દવા આપવામાં આવી હતી. તેમને જ્યારે બીજી ખાનગી હોસ્પિટલ મેડીટ્રીનામાં લઇ જવાયા તો રિપોર્ટમાં દર્દીને મૃત ગણાવાયા હતા.
૬. જો તેઓનું મૃત્યુ કુદરતી જ હતું અને કોઇ ષડયંત્ર નહોતું તો પછી તેમનું પોસ્ટમોર્ટમ કેમ કરવામાં આવ્યું ? નિર્ણય કોણે કર્યો કે, પોસ્ટમોર્ટમ જરૂરી હતું ?
૭. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર કોણે મૃતકના પરિવારજન તરીકે સહીઓ કરી હતી ? એ રહસ્યમયી વ્યક્તિ કોણ હતી જેને મૃતક જજનો મૃતદેહ સોંપવામાં આવ્યો હતો.
૮. નાગપુર પોલીસ અને મૃતક જજના સાથીદારોએ તેમના પરિવારજનોએ તેમના મોતના સમાચાર આપ્યા તો પછી આરએસએસના કાર્યકર ઇશ્વર બેહટીએ આ સમાચાર કેમ આપ્યા ?
૯. બહેટીએ સવારે પાંચ વાગ્યે તેમના પરિવારજનોને મોતના સમાચાર કેમ આપ્યા કેમ તેમના હાર્ટએટેક આવ્યાના તરત બાદ જાણ ન કરાઇ ?
૧૦. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનો સમય સવારે ૬.૩૦ ગણાવાયો છે.
૧૧. પોલીસ પંચનામું કરવામાં કેમ નિષ્ફળ રહી, તેમની અંગત વસ્તુઓને જપ્ત કરીને કેમ ન રાખી ?
૧૨. આરએસએસના કાર્યકર બહેટી પાસે તેમનો મોબાઇલ ફોન ક્યાંથી આવ્યો જે તેણે મોતના ત્રણ દિવસ બાદ કેમ પરત કર્યો ?
૧૩. મૃતકના ફોનમાંથી કોણે તમામ કોલ રેકોડ્‌ર્સ અને મેસેજ ડીલીટ કર્યા જેમાં એ મેસેજ પણ હતો જે તેમને મોતના કેટલાક દિવસ પહેલા મળ્યો હતો ? મૃતકના પરિવારજનો અનુસાર આ મેસેજમાં લખ્યું હતું કે, ‘સર આ લોકોથી બચીને રહેજો’
૧૪. મૃતકના પરિવારજનોએ નોંધ્યું કે,તેમના શર્ટ પર લોહીના નિશાન હતા, તેમનો બેલ્ટ ઊંધો હતો અને પેન્ટની ક્લિપ તૂટી ગઇ હતી અને માથાની પાછળ ઘા હતો. પરંતુ આમાંથી કોઇ વાતનો પોસ્ટમોર્ટમમાં ઉલ્લેખ નથી.
૧૫. મૃતકના પરિવારજનોને બીજો પોસ્ટમોર્ટમ રિપોર્ટ ન લેવા કેમ સલાહ આપવામાં આવી ?
૧૬. મૃતકના વિધવા અને પુત્રને કઇ વાતનો ડર છે ? તેઓ ટાકલે સાથે વાત કરવામાં કેમ ડરી રહ્યા છે અને એવું કેમ કહે છે કે તેમના જીવનને જોખમ છે ?

Exit mobile version