Ahmedabad

મેગા રોડ-શો સાથેના શક્તિ પ્રદર્શન બાદ ભાજપ અધ્યક્ષ અમિત શાહે ઉમેદવારી નોંધાવી

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા. ૩૦
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે અમદાવાદમાં રોડ-શો યોજી લોકસભા ચૂંટણીના શક્તિ પ્રદર્શન સાથે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવારી પત્રક ભર્યું હતું. મોટી પાર્ટીના અધ્યક્ષને છાજે તે રીતે રોડ-શો, જાહેર સભા સાથે અગ્રણી નેતાઓની હાજરીમાં પોતાની ઉમેદવારી નોંધાવતા અમિત શાહે ‘ફિર એક બાર મોદી સરકાર’ના સૂત્રોચ્ચા કરાવ્યા હતા. અમદાવાદના નારણપુરા વિસ્તારમાં જાહેર સભા યોજ્યા બાદ ત્યાંથી ચાર કિમી મેગા રોડ-શોનું આયોજન કરાયું હતું.
ગુજરાતમાં તમામ ૨૬ સીટો પર ૨૩મી એપ્રિલે મતદાન થશે. ઉમેદવારીપત્ર દાખલ કરવાની છેલ્લી તારીખ ચોથી એપ્રિલ છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે ભાજપના ટોચના રાષ્ટ્રીય અને પ્રાદેશિક નેતાઓ સહિત હજારો કાર્યકર્તાઓ, ધર્મગુરુઓ અને સમાજના પ્રતિષ્ઠિત આગેવાનોની હાજરી સાથે મેગા રોડ શો યોજ્યા બાદ ગાંધીનગર ખાતે લોકસભા બેઠક માટે નામાંકન પત્ર ભર્યું હતું. ભાજપે અને સાથી પક્ષોએ પણ દેશને અને વિપક્ષોને એ સંદેશ પણ આપ્યો હતો કે એનડીએ એક થઇને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચૂંટણી લડી રહ્યો છે. આજે વહેલી સવારથી જ કાર્યકર્તાઓ અને નેતાઓ મોટી સંખ્યામાં અમિત શાહના નિવાસ્થાન નારણપુરા ખાતે ઊમટી પડ્‌યા હતા. પક્ષના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ હતો. અમિત શાહ સવારે પોતાના પરિવાર સાથે ઘરની બહાર આવ્યા હતા. તેમની સાથે તેમની પત્ની, દીકરો, પુત્રવધૂ અને પૌત્રી હતાં. અમિત શાહે તેમની લાડકી પૌત્રીને વહાલ કરીને રોડ શોની શરૂઆત કરી હતી અને મોટી સંખ્યામાં મતદારો, સર્મથકોનું અભિવાદન ઝીલ્યું હતું અને સરદાર પટેલના બાવલાને પુષ્પહાર કરી પ્રણામ કર્યા હતા. અમિત શાહના રોડ શોમાં શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે,કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરી, ગૃહ પ્રધાન રાજનાથસિંહ, નાગરિક અન્ન અને પુરવઠા પ્રધાન રામવિલાસ પાસવાન, પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલ, પૂર્વ પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, હાલના ગુજરાત પ્રદેશ પ્રભારી ઓમ માથુર, મુખ્યમંત્રી વિજય રૂપાણી, એનડીએ ઘટક પક્ષોના નેતાઓ સહિત ભાજપના હોદ્દેદારો રોડ શોમાં જોડાયા હતા. નારણપુરામાં સરદાર પટેલના બાવલા પાસે સંકલ્પ સભાને કેન્દ્રીય નેતાઓ સંબોધિત કરી હતી. જ્ઞાતિ સમાજને સાથી રાખીને અમિત શાહે સભા સંબોધિત કરી હતી. અમદાવાદમાં રોડ શો બાદ ગાંધીનગર લોકસભા બેઠક પર અમિત શાહ આજે પરિવાર સાથે ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા. ગાંધીનગર કલેક્ટર કચેરીએ તેમણે ઉમેદવારી નોંધાવી હતી. મોટી સંખ્યામાં સમર્થકો અને રાષ્ટ્રીય નેતાઓ રથમાં સવાર થયા હતા. નિયત સમય કરતાં મોડો શરૂ થયેલો રોડ શો બપોરે ૪૦ ડિગ્રી ગરમી વચ્ચે પસાર થતાં તેને રીતસર દોડાવવાની ફરજ પડી હતી. પિતાની ઉમેદવારી માટે હાજર પુત્ર જય શાહ તેમજ મંત્રી પ્રદીપસિંહ સહિતના મંત્રીઓ પગપાળા ચાલ્યા હતા. ત્યારબાદ અહીં સભા યોજી હતી. જેમાં એનડીએના નેતાઓએ વિક્રમી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સરદાર પટેલના બાવલાથી શરૂ થનારા રોડ શોના રૂટ પર ૨૪ જગ્યાએ અલગ અલગ સમાજના લોકો અને આગેવાનો અમિત શાહનું સ્વાગત કર્યું હતું. રૂટ પર ૨૫ જેટલા સ્ટેજ બનાવવામાં આવ્યા હતા. ચાર કિમીના ૩ કલાક ચાલનારા રોડ શોમાં અમિત શાહે શક્તિ પ્રદર્શન કર્યું હતું. અમિત શાહના રોડ શો અને સભાને લઈને અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા પહેલાથી જ ગોઠવી દેવામાં આવી હતી. અમિત શાહના કાર્યક્રમોના એક દિવસ પહેલા જ પોલીસ જવાનો અમિત શાહના જુદા જુદા વિસ્તાર પર ગોઠવી દેવામાં આવ્યા હતા.અમિત શાહના શક્તિ પ્રદર્શનમાં વચ્ચે સરદાર પટેલના બાવલા પાસે ૧૦૦ મીટરમાં તમામ દુકાનો, શોપિંગ કોમ્પલેક્સ અને બે હોસ્પિટલને પણ અસર થઈ હતી. ૧૦૦ મીટર વિસ્તારમાં વાહનના આવવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો. જ્યારે ઉસ્માનપુરા અંડરબ્રિજને પણ બંધ રખાયો હતો. રોડ શોને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. જેમાં ૧૧૦૦ થી વધુ પોલીસ અધિકારીઓ સહિત પોલીસ કર્મચારીઓનો કાફલો હાજર રહ્યો હતો.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  AhmedabadGujarat

  વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

  રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
  Read more
  Ahmedabad

  અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચતા જ ATSએ તેમની કરી ધરપકડISIS સાથે સંકળાયેલ શ્રીલંકાના ચાર શંકાસ્પદ આતંકવાદીઓને ઝડપી લેવાયા

  ATSના ડીવાયએસપીને ૧૮ મેએ બાતમી મળ…
  Read more
  AhmedabadGujarat

  માવઠાના માર બાદ અગનભઠ્ઠીમાં શેકાયું ગુજરાત : સુરેન્દ્રનગરમાં પારો ૪૪.૭ ડિગ્રી

  ડીસામાં ૪૪.૪, અમદાવાદમાં ૪૪.ર અને…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.