અમિત શાહને નિર્દોષ છોડી મુકવા જજને ૧૦૦ કરોડની ઓફર કરાઈ હતી ?

નવી દિલ્હી, તા. ૨૧
આગામી મહિને યોજાનારી ગુજરાતની ચૂંટણી પહેલા જ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ સામે એક નવી મુશ્કેલી ઊભી થઇ છે. ગુજરાતના ચર્ચાસ્પદ સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં સુનાવણી કરી રહેલા સીબીઆઇના વિશેષ અદાલતના ન્યાયાધીશ બૃજગોપાલ લોયાના અચાનક મૃત્યુને આશરે ત્રણ વર્ષ થયા બાદ તેમના પરિવારજનોએ મૌન તોડતા ઘણા ગંભીર સવાલો ઊભા કર્યા છે. ઉલ્લેખનીય છે કે, સીબીઆઇએ આ મામલે ભાજપના હાલના અધ્યક્ષ અને રાજ્યના તે સમયના ગૃહમંત્રી અમિત શાહ વિરૂદ્ધ આરોપનામું દાખલકર્યું હતું જો કે, બાદમાં કોર્ટે પુરાવાના અભાવે તેમને નિર્દોષ જાહેર કરી દીધા હતા. વર્ષ ૨૦૦૫માં ગુજરાત પોલીસે કહેવાતા એન્કાઉન્ટરમાં ગુજરાત પોલીસના ઘણા વરિષ્ઠ અધિકારીઓના નામ આવ્યા હતા.
અંગ્રેજી મેગેઝિન કારવાંએ કથિત નકલી એન્કાઉન્ટરને લઇ ઘણા એવા ખુલાસા કર્યા છે જેનાથી રાજકીય ભૂકંપ આવી શકે છે. કારવાંમાં મૃતક જજ બૃજગોપાલની બહેનના હવાલાથી પ્રકાશિત થયેલા અહેવાલ અનુસાર મુંબઇ હાઇકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ મોહિત શાહે આ કેસને રેફે-દફે કરવા માટે તેમના ભાઇને ૧૦૦ કરોડ રૂપિયાની ઓફર કરી હતી. જસ્ટિસ બૃજગોપાલના બહેન અનુરાધા બિયાનીએ કારવાંના રિપોર્ટરને જણાવ્યું હતું કે, તેમના ભાઇ તે સમયે સીબીઆઇના જજ લોયાને મુંબઇ હાઇકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ મોહિત શાહે ૧૦૦ કરોડ રૂપિયાની લાંચની ઓફર કરી હતી. રિપોર્ટ અનુસાર આ લાંચની ઓફર તમામ આરોપીઓને ક્લિન ચીટ આપવા માટે કરવામાં આવી હતી. અનુરાધાએ મેગેઝિનને જણાવ્યું હતું કે, આ ઓફર તેમના ભાઇના મોતના કેટલાક અઠવાડિયા પહેલા જ કરાઇ હતી.
બહેન ઉપરાંત મૃતક સીબીઆઇ જજના પિતાએ પણ મેગેઝિનને વાતચીતમાં દાવો કર્યો છે કે, આ કેસમાં આરોપીઓની તરફેણમાં ચુકાદો આપવા માટે નાણાની સાથે મુંબઇમાં એક મકાન આપવાની પણ ઓફર કરવામાં આવી હતી. બાદમાં પત્રિકાએ જજના પરિજનોના આરોપો અંગે પ્રતિક્રિયા લેવા માટે ભાજપના અધ્યક્ષ અમિત શાહ અને પૂર્વ જજ મોહિત શાહનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ બંનેનો સંપર્ક થઇ શક્યો નહોતો. લોયાનું મોત પહેલી ડિસેમ્બર ૨૦૧૪ના રોજ નાગપુરમાં થયું હતું જેનું કારણ હાર્ટ એટેક હતું. તેઓ નાગપુરમાં સહયોગીજજ સ્વપ્ના જોશીની પુત્રીના લગ્નમાં ગયા હતા. તેમના મોતના ૨૯ દિવસ બાદ એટલે કે, ૩૦મી ડિસેમ્બર ૨૦૧૪ના રોજ આવેલા બીજા જજે અમિત શાહને સોહરાબુદ્દીન હત્યાકાંડના આ ચર્ચાસ્પદ કેસમાંથ નિર્દોષ જાહેર કર્યા હતા. જજના મોતના ત્રણ વર્ષ બાદ તેમના પરિવારનજનોએ મૌન તોડ્યું છે. તેઓ કહે છે કે, આની પાછળ ષડયંત્ર છે અને તેમને અંધારામાં રાખવામાં આવ્યા છે. કારવાં સાથે વાત કરતા તેમના બહેને ગંભીર સવાલો કર્યા છે જેનો જવાબ આપવો પોલીસ અને સીબીઆઇ માટે મુશ્કેલ હશે.

ગંભીર સવાલો : પરિવારજનોએ કહ્યું છે કે, લોયાના મોતના સમય અંગે કોઇ સ્પષ્ટતા નથી. કેમ કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર તેમનું મોત ૧ ડિસેમ્બર ૨૦૧૪ના રોજ સવારે ૬.૧૫ કલાકે થયું અને તેમના પરિવારજનોને સવારે ૫.૦૦ કલાકે જ મોતના સમાચાર આપી દેવાયા હતા. રિપોર્ટમાં મોતનું કારણ હાર્ટ એટેક દર્શાવાયું જ્યારે તેમના પકડાં પર લોહી હતું. લોયાના પિતાએ કહ્યું કે, તેમના માથા પર ઇજાના નિશાન હતા. પરિવારને લોયાના મોત બાદ તેમનો મોબાઇલ ઘણા દિવસો પછી સોંપવામાં આવ્યો હતો જેમાંથી તમામ ડેટા ડિલીટ કરી દેવામાં આવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો છે કે, જો આ રહસ્યમય મોત નથી તો પછી મોબાઇલમાંથી તમામ ડેટા કેમ ઉડાવી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત પરિવારે જણાવ્યું કે, રાતે હાર્ટ એટેક આવ્યો ત્યારે તેમને નાગપુરના રવિભવનમાં રોકાયેલા લોયાને ઓટોમાં હોસ્પિટલ લઇ જવાયા હતા. તેમણે સવાલ કર્યો કે, શું આટલા બધા વીઆઇપી લોકોના રોકાવાની વ્યવસ્થા હોવા છતાં રવિ ભવનમાં કોઇ ગાડી નહોતી જે તેમને હોસ્પિટલમાં લઇ જઇ શકે. આ સાથે જ તેમણે એમ પણ કહ્યું કે, રવિભવનથી ઓટો સ્ટેન્ડ એક કિલોમીટર દૂર છે એવામાં અડધી રાતે ઓટો મળવી સંભવ છે ખરૂ. પરિવારજનોએ ઇશ્વર બહેટી નામના એક આરએસએસ કાર્યકર સામે પણ સવાલો ઉઠાવ્યા છે જેણે મોત બાદ પાર્થિવ શરીરને તેમના પૈતૃક ગામમાં લઇ જવાની પરિવારજનોને જાણકારી આપી હતી આ સાથે જ લોયાનો ફોન પણ પરિવારને બહેટીએ પરત કર્યો હતો. આ સિવાય પોસ્ટમોર્ટમ રિપોર્ટના દરેક પેજ પર રહસ્યમય હસ્તાક્ષર છે આ હસ્તાક્ષર લોયાના કથિત મામેરા ભાઇના નથી. પરિવારજનોએ કહ્યું કે, લોયાનું મોત પ્રાકૃતિક કારણોસર થયું તો પોસ્ટમોર્ટમની જરૂર કેમ પડી. પોસ્ટમોર્ટમ બાદ પંચનામું પણ ભરવામાં આવ્યું. એવું કહેવામાં આવે છે કે, આ કેસ આવ્યા બાદ તેમણે શાહ સામે કોઇ રહેમનજર રાખી નહોતી અને સતત કડકાઇ સાથે સુનાવણી કરતા રહ્યા.

શું છે સમગ્ર મામલો ? સોહરાબુદ્દીન એન્કાઉન્ટર મામલે સીબીઆઇએ પોતાના આરોપનામામાં જણાવ્યું હતું કે, આ કોઇ એન્કાઉન્ટર નથી પરંતુ કોન્ટ્રાક્ટ મર્ડર હતું. આ મામલે ભાજપના અધ્યક્ષ અમિત શાહ સહિત ઘણા નેતાઓ અને પોલીસ અધિકારીઓને પહેલા જ છોડી દેવાયા છે. આ કેસ ૨૦૧૫નો છે. નવેમ્બર ૨૦૧૫માં સોહરાબુદ્દીન શેખ, તેની પત્ની કૌસરબી અને સાથી તુલસીરામ પ્રજાપતિ હૈદરાબાદમાંથી એક બસમાં સાંગલી જઇ રહ્યા હતા. રિપોર્ટ અનુસાર એક પોલીસ ટીમે બસનો પીછો કરતા ત્રણેયને પકડ્યા હતા અને તેમને અમદાવાદ લઇ જવાયા હતા. બાદમાં ગુજરાત પોલીસે સોહરાબુદ્દીનને એન્કાઉન્ટરમાં મારવાનો દાવો કર્યો હતો. જે બાદ સુપ્રીમ કોર્ટના આદેશથી ગુજરાત પોલીસે આ કથિત એન્કાઉન્ટરની તપાસ કરી હતી. ગુજરાત પોલીસે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરી એન્કાઉન્ટરને નકલી ગણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે આ કેસને ગુજરાત બહાર સુનાવણી માટે મોકલી દીધો અને મુંબઇની એક વિશેષ સીબીઆઇ અદાલતમાં સુનાવણી થઇ રહી છે. સોહરાબુદ્દીન શેખના સહયોગી તુલસીરામ પ્રજાપતિની હત્યા કેસને પણ આ તપાસમાં સામેલ કરવામાં આવી હતી. આ મામલે સીબીઆઇએ ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અમિત શાહ સામે ફરિયાદ દાખલ કરી આરોપનામામાં તેમની સામે હત્યા, બળજબરીથી ખંડણી, અપહરણ અને અપરાધિક ષડયંત્રના આરોપો લગાવ્યા હતા. ઓરોપનામામાં સીબીઆઇ દ્વારા કહેવાયું હતું કે, અમિત શાહ રાજ્યનાસિનિયર અધિકારીઓ સાથે મળીને ખંડણીનો રેકેટ ચલાવીરહ્યા હતા. ગુજરાત પોલીસે અમિત શાહને પણ ષડયંત્ર રચવાના આરોપમાં ધરપકડ કરી હતી જેમને બાદમાં અદાલતે પુરાવાના અભાવે છોડી મુક્યા હતા. હાલ ઓગસ્ટ મહિનામાં જ આ કેસમાં ગુજરાત પોલીસના પૂર્વ ડીઆઇજી ડીજી વણઝારા અને આઇપીએસ અધિકારી દિનેશ એમએનને અદાલતે મુક્ત કરી દીધા હતા. આ બંને પર નકલી એન્કાઉન્ટર કરવાનો આરોપ હતો.
સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસના જજના
સંદિગ્ધ મોત અંગે કુટુંબીજનોના વેધક સવાલ

(એજન્સી) મુંબઈ, તા.ર૧
‘‘ટોક ઓફ ધ નેશન’’ બનેલા સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસની સુનાવણી હાથ ધરનાર સીબીઆઈની ખાસ કોર્ટના જજ ૪૮ વર્ષીય બ્રિજગોપાલ હરિક્રિશ્ન લોયાના નાગપુરના સરકારી વીઆઈપી ગેસ્ટ હાઉસમાં થયેલા અચાનક મોત અંગે તેમના કુટુંબીજનોએ શંકા વ્યક્ત કરી હતી. આ બોગસ એન્કાઉન્ટરને કારણે ભાજપના હાલના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને ગુજરાતના ઘણા વરિષ્ઠ પોલીસ અધિકારીઓને જેલમાં જવાનો વારો આવ્યો હતો.
લોયાના સંબંધીઓને ટાંકતા એક અહેવાલમાં તેમનાં મોત સામે શંકા વ્યક્ત કરતા કેટલાક પોઈન્ટ રજૂ કરવામાં આવ્યા હતા જે નીચે મુજબ છે.
• તેમની મોતના ચોક્કસ સમયમાં વિરોધાભાસ.
• તેમને કોઈ શારીરિક તકલીફ નહીં હોવા છતાં જે રીતે હૃદય રોગનો હુમલો આવ્યો.
• વહેલી સવારે તેમને ઓટો રિક્ષા દ્વારા શા માટે હોસ્પિટલમાં લઈ જવાયા.
• તેમના પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર જે વ્યક્તિએ હસ્તાક્ષર કર્યા હતા તેવી કોઈ વ્યક્તિ તેમના કુટુંબમાં નહીં હોવાનું તેમના પરિવારજનોનું નિવેદન
• લોયાના ફોનમાંથી શા માટે તમામ ડેટાને ડિલીટ કરી દેવાયો.
• તેમના કપડા પર રહેલા લોહીના ડાઘા
• લોયાના મૃતદેહ અંગે તેમના કુટુંબીજનોને સંઘના કાર્યકરે માહિતી આપી હતી અને લોયાનો ફોન પણ આ કાર્યકર પાસે હતો ત્યારબાદ તેને કુટુંબીજનોને સોંપાયો હતો.
લોયાના મૃત્યુના ર૯ દિવસ બાદ તેમના સ્થાને આપેલા જજે અમિત શાહની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. સીબીઆઈએ પણ આ ચુકાદાને પડકાર્યો ન હતો. વર્ષ ર૦૧૪ની ૩૦મી નવેમ્બરે લોયાના નાગપુરમાં એક અન્ય જજની પુત્રીના લગ્ન સમારંભમાં હાજરી આપવા ગયા હતા. પહેલી ડિસેમ્બરે લોયાના પરિવારજનોને તેમનાં મોતના સમાચાર આપવામાં આવ્યા હતા . મોતનું કારણ હૃદય રોગનો હુમલો હોવાનું જણાવાયું હતું.
લોયાના બહેન અનુરાધા બિયાની, ભત્રીજા નુપુર બાલપ્રસાદ બિયાની, અને પિતા હરક્રિષ્ણે જણાવ્યું હતું કે લોયાને રિક્ષામાં નાગપુરની ડાન્ડે હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં તેમને મૃત ઘોષિત કરાવ્યા હતા. તેમ છતાં તેમના મૃતદેહને ત્યાંથી અન્ય હોસ્પિટલમાં લઈ જવાયો હતો. લોયાના પત્ની શર્મિલા અને પુત્ર અનુજે ડરના માર્યા આ અંગે કંઈ પણ કહેવાથી ઈન્કાર કર્યો હતો.
લોયાએ એન્કાઉન્ટર કેસની સુનાવણી દરમ્યાન તારીખ પર ગેરહાજર રહેતા અમિત શાહના વર્તન સામે વાંધો નોંધાવ્યો હતો. ૩૦ ડિસેમ્બર ર૦૧૪ના રોજ સીબીઆઈ કોર્ટે શાહને કેસમાંથી મુક્ત કર્યા હતા. સુનાવણી હાથ ધરનાર જજ એમ.બી.ગોસ્વાઈએ જણાવ્યું હતું કે શાહ સામે કોઈ પુરાવા નથી શાહ બાદ આ કેસમાં સંડોવાયેલા ૧૧ જેટલા વરિષ્ઠ પોલીસ અધિકારીઓને પ કેસમાંથી મુક્ત કરાવ્યા હતા. લોયાના મૃત્યુના ત્રણ વર્ષ બાદ હવે તેમના કુટુંબીજનોએ તેમના સંદિગ્ધ હાલતમાં થયેલા મોત સામે શંકા વ્યક્ત કરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks