અમિત શાહની સભામાં જય સરદારના નારા લગાવ્યા એ શું ગુનો હતો ?

(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૨
આણંદ તાલુકાના કરમસદ ગામે ગતરોજ ગુજરાત ગૌરવ યાત્રાના પ્રસ્થાન સમયે યોજાયેલી ભાજપની જનસભામાં જય સરદારના નારા લગાવનાર પાટીદાર વિદ્યાર્થી રક્ષા સમિતિના સાત યુવકોની પોલીસે અટકાયત કર્યા બાદ ગત મોડી રાત્રે તેઓને મુક્ત કર્યા હતા. કરમસદ ગામે ગતરોજ યોજાયેલી ગુજરાત ગૌરવ યાત્રાના પ્રસ્થાન સમયે સભામાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ પોતાનું પ્રવચન આપવા ઊભા થતાની સાથે જ વિદ્યાનગરના પાટીદાર વિદ્યાર્થી રક્ષા સમિતિના યુવકોએ જય સરદાર જય પાટીદાર લખેલી ટોપીઓ પહેરી જય સરદારના નારાઓ લગાવતા જ સભામાં આસપાસમાં બેઠેલા ભાજપના કાર્યકરોએ આ યુવકોને ઢોર માર માર્યો હતો અને ત્યારબાદ તેઓને પોલીસે અટકાયત કરી વલ્લભવિદ્યાનગર પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. રાજકીય દબાણ હેઠળ પોલીસે જય સરદારના નારા લગાવનાર કાર્યકરોને કાર્યક્રમના સમાપન બાદ પણ મુક્ત નહીં કરતાં પાટીદાર અનામત સમિતિના કાર્યકરોમાં રોષ ફેલાયો હતો અને કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો પોલીસ મથકમાં પહોંચી ગયા હતા અને આ યુવકોને મુક્ત કરવાની માંગ કરી હતી તેમજ બીજી તરફ પાસના આગેવાનો દ્વારા પણ જો યુવકોને મુક્ત કરવામાં નહીં આવે તો પાસ દ્વારા આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પોલીસને આપવામાં આવી હતી જેને લઈને પોલીસ દ્વારા મોડી રાત્રે અટકાયત કરાયેલા પીયુષભાઈ કાકડિયા, હેમંત નટવરભાઈ, ડેનિસ હીરપરા, જય હીરપરા, જસ્મીન અદડિયા, નિર્ણય તેજા અને જય જનકભાઈ સહિત સાત આરોપીઓને મુક્ત કર્યા હતા. આ અંગે પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અલ્પેશ પુરોહિતે જણાવ્યું હતું કે અમિત શાહની જાહેરસભામાં આ પાટીદાર યુવાનોએ માત્ર જય સરદારના નારાઓ લગાવ્યા હતા શું જય સરદારના નારા લગાવવા એક કોઈ ગુનો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks