કર્ણાટકમાં જનાદેશ કોંગ્રેસ અને JDSની વિરૂદ્ધમાં હતો : શાહ

નવી દિલ્હી, તા.૨૧
ભાજપ અધ્યક્ષ અમિત શાહે કર્ણાટકમાં પોતાની પાર્ટીની સરકાર બનવામાં નિષ્ફળ પ્રયાસ થયા પછી આજે પ્રથમ વખત પોતાની પ્રતિક્રિયા આપી હતી. પોતાની પાર્ટીની સરકાર બનાવવાના નિષ્ફળ પ્રયાસનો અમિત શાહે બચાવ પણ કર્યો હતો. અમિત શાહે કહ્યું હતું કે કોંગ્રેસ અને જેડીએસના ગઠબંધનને કોઈપણ પ્રકારનું સમર્થન લોકો તરફથી મળ્યું નથી. આ ગઠબંધન અપવિત્ર ગઠબંધન તરીકે છે. તેમણે ઉમેર્યું હતું કે સૌથી મોટી પાર્ટી તરીકે સરકાર બનાવવાનો દાવો કરવાની બાબત બિલકુલ યોગ્ય હતી. ભાજપ ઉપર સરકાર બનાવવા માટે હોર્સ ટ્રેડિંગની મદદ લેવાના પ્રયાસોના આક્ષેપો પર વાત કરતા શાહે કહ્યું હતું કે કોંગ્રેસે સમગ્ર અસ્તબલની ખરીદી કરી લીધી હતી. કોંગ્રેસ પર સુપ્રીમ કોર્ટમાં પણ ખોટા નિવેદન કરવાનો અમિત શાહે આક્ષેપ કર્યો હતો અને કહ્યું હતું કે કોંગ્રેસે એવી ખોટી વાત કરી હતી કે યેદિયુરપ્પાએ બહુમતી પુરવાર કરવા માટે રાજ્યપાલ પાસેથી સાત દિવસનો સમય માંગ્યો હતો. ભાજપ અધ્યક્ષે કહ્યું હતું કે કર્ણાટકમાં જનાદેશ કોંગ્રેસની સાથે રહ્યો નથી. પ્રજાએ કોંગ્રેસને જ્યાંથી હરાવી શકવાની સ્થિતિ હતી ત્યાંથી ફેંકી દીધી હતી. શાહે ઉમેર્યું હતું કે કર્ણાટકની પ્રજાએ અમને જનમત આપ્યો હતો અને જનમત કોંગ્રેસની વિરૂદ્ધમાં હતો. જેડીએસની પાર્ટી પણ એ જ જગ્યાએ જીતી છે જ્યાં ભાજપની સંગઠન શક્તિ નબળી હતી. આ જનાદેશ કોંગ્રેસની વિરૂદ્ધમાં છે. તેના અડધાથી વધુ મંત્રીઓ હારી ચુક્યા છે. તેમના મુખ્યમંત્રી પોતે એક જગ્યાએથી હારી ગયા હતા. બીજી સીટ ઉપર ખૂબ ઓછા માર્જિનથી જીતી શક્યા હતા. ભાજપ અધ્યક્ષે કહ્યું હતું કે કેટલાક લોકો એક ખોટા પ્રચાર કરવાના પ્રયાસ કરે છે કે પૂર્ણ બહુમતી ન હોવા છતાં ભાજપે સરકાર બનાવવાના પ્રયાસ કર્યા હતા. અમિત શાહે કહ્યું હતું કે અમે સૌથી મોટા પક્ષ તરીકે ઉભર્યા હતા. જેથી અમારો દાવો મજબૂત હતો. જો અમે સરકાર બનાવવાનો દાવો ન કર્યો હોત તો લોકોના જનાદેશનું અપમાન રહ્યું હોત. આવી સ્થિતિમાં દાવો કરીને કોઈ ખોટા કામ કર્યા ન હતા. ગોવા અને મણીપુરમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હોવા છતાં ભાજપના સરકાર બનાવવાના પ્રયાસ અંગે સ્પષ્ટતા કરતા શાહે કહ્યું હતું કે આ રાજ્યોમાં સૌથી મોટી પાર્ટી કોંગ્રેસે સરકાર બનાવવા માટે દાવા જ કર્યા ન હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks