અમિત શાહના કાર્યક્રમ માટે શાળાની બસ ખેંચી લેવાતાં પરીક્ષા રદ કરવી પડી

અમદાવાદ, તા.૭
વલસાડમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના કાર્યક્રમમાં ખાનગી શાળાના બાળકોની સ્કૂલ બસને ખેંચી લેતાં શાળાના બાળકોની પરીક્ષા રદ કરવાની ફરજ પડી હતી. ત્યારે ભાજપના કાર્યક્રમના વાંકે ખાનગી શાળાના વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરવાનો વારો આવ્યો તે કેટલી હદે યોગ્ય કહેવાય ? શું ભાજપના કાર્યક્રમની સામે બાળકોના શિક્ષણની કોઈ જ કિંમત નથી કે શું ? તેવા અનેક સવાલો ચર્ચાની એરણે છે. ત્યારે આ સમગ્ર ઘટનાને કોંગ્રેસે વખોડી કાઢી છે. ભાજપ સરકારના શાસનમાં એસટી બસો ભાજપના કાર્યક્રમ માટે ફાળવી દેવાની અનેક ઘટનાઓ બની છે. હજારો મુસાફરો વારંવાર પરેશાન થયા છે. પણ સત્તાના અહંકારમાં પ્રજાની મુશ્કેલીની અવગણના કરવામાં આવી રહી છે. ભાજપ પક્ષના ર૦ વર્ષથી વધુ શાસનના અહંકારની ચરમસીમા સમાન વલસાડ ખાતે ભાજપ અધ્યક્ષના કાર્યક્રમમાં ખાનગી શાળાના બાળકોની બસ ખેંચી લેતાં મજબૂર થઈને શાળાના આચાર્યને વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરવાની ફરજ પડી છે. શિક્ષણ ઉપલબ્ધ કરવામાં નિષ્ફળ ભાજપ શાસકોની ધાકધમકીના વરવા પ્રદર્શનને વખોડી કાઢતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા ડૉ.મનિષ દોશીએ જણાવ્યું હતું કે, વલસાડ ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષતા સંમેલનમાં સ્થાનિક શાળાની સ્કૂલ બસ કાર્યકરો-આગેવાનો દ્વારા ખેંચી લેતાં શાળાના બાળકોની પરીક્ષા હોવા છતાં ડર-મજબૂરીથી શાળાના આચાર્યને પરીક્ષા રદ કરવાની ફરજ પડી. છેલ્લા ઘણા સમયથી ભાજપ સરકારના કાર્યક્રમમાં ભીડ એકત્રિત કરવા માટે શિક્ષકો, વિદ્યાર્થીઓને આદેશ કરીને ઉપસ્થિત રહેવા ફરજ પાડવામાં આવી રહી છે જેની સીધી અસર શૈક્ષણિક સ્તર પર પડી રહી છે. શાળા દ્વારા આ અંગો વાલીઓને જાણ કરવા માટે નોટિસમાં પણ તેમની મજબૂરી-લાચારી (ૐીઙ્મઙ્મીજજ)નો ઉલ્લેખ આચાર્યએ કર્યો છે. સત્તાના અહંકારના આ પ્રકારે ધાકધમકી-સત્તાનો દુરૂપયોગ કરીને બાળકોના ભવિષ્ય માટે મહત્ત્વની પરીક્ષા રદ કરવાની ફરજ પાડવા અંગે ભાજપ અધ્યક્ષ ગુજરાતના નાગરિકોને જણાવે કે આ રીત-રસમોથી ભણશે ગુજરાત ? શું આ રીતે આગળ વધશે ગુજરાત ?

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks