(એજન્સી) નવી દિલ્હી, તા.૬
નીતિ પંચના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંતે જણાવ્યું કે, આગામી દશકામાં ઈ મોબિલિટી માર્ગ પરિવહનનું મનગમતું સાધન હશે. કાંતે રાજધાનીમાં સાત અને આઠ સપ્ટેમ્બરે યોજાનારા બે દિવસીય ગ્લોબલ મોબિલિટી શિખર સંમેલનને ધ્યાનમાં રાખતા ભારતીય વાણિજ્ય તેમજ ઉદ્યોગ મહાસંઘ દ્વારા આયોજિત એક સંમેલનમાં જણાવ્યું કે, ટકાઉ મોબિલિટી સોલ્યુશન્સ બનાવવાની જરૂર છે. કારણ કે ભવિષ્યમાં પરિવહનનું આજ મનગમતું સાધન હશે. તેમણે જણાવ્યું કે, ભારતીય પરિવહનમાં આગામી દશકામાં ભારે પરિવર્તન આવવાના છે. કારણ કે વર્ષ ર૦૩૦ સુધી ભારત વિશ્વનું સૌથી મોટું પ્રવાસી કાર બજાર હશે અને તે સમયે દર સેકન્ડે દેશમાં એક કારનું વેચાણ થશે.
કાંતે જણાવ્યું કે, અત્યારે દેશમાં જે વાહનો વેચાઈ રહ્યા છે તેમાં ૭૬ ટકા ટુ વ્હીલર છે જે ૬૪ ટકા ઈંધણનો ઉપયોગ કરે છે. આ વાહનોની પ્રદૂષણમાં ૩૦ ટકા ભાગીદારી છે. ત્રણ પૈડાવાળા વાહનોની પ્રદૂષણમાં પાંચ ટકા ભાગીદારી છે. માલ પરિવહનનું સૌથી મોટું સાધન મોટર વાહન છે તે પણ વાહનો દ્વારા થતા પ્રદૂષણનો સૌથી મોટો સ્ત્રોત છે.
તેમણે જણાવ્યું કે, તમામ પ્રકારના વાહનો માટે બેટરી ચાર્જ દેશની સામે સૌથી મોટો પડકાર છે. તેને ધ્યાનમાં રાખતા શહેરની અંદર અને એક શહેરથી બીજા શહેર માટે વાહનોની અવર-જવરમાં જૈવિક ઈંધણને સ્વચ્છ ઈંધણના વિકલ્પોમાં પરિવર્તિત કરવાની ખૂબ જ જરૂર છે. તેમણે જણાવ્યું કે, મોબિલિટી દ્વારા થનારા વેપારની સંભાવનાઓથી ઉદ્યોગોને જાણ કરવાની જરૂર છે. આ દરમિયાન દેશની મુખ્ય વાહન બનાવનારી કંપનીઓ અને ઔદ્યોગિક કંપનીઓના વરિષ્ઠ અધિકારીઓએ ઈ મોબિલિટીના પડકારો અને સંભાવનાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.