(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
માનવ અધિકારોની રક્ષા કરનાર સમૂહ એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ રિપોર્ટમાં એવો ખુલાસો થયો છે કે વર્ષ ર૦૧૮ના શરૂઆતના છ મહિનાઓની અંદર જ હેટ ક્રાઈમ (નફરતની આગ)ની ૧૦૦ ઘટનાઓ બની છે. આદિવાસી, દલિત, જાતીય અને ધાર્મિક રૂપે લઘુમતી સમુદાયના લોકો અને ટ્રાન્સજેન્ડર આ હેટ ક્રાઈમના શિકાર બન્યા છે. હેટ ક્રાઈમની ઉત્તરપ્રદેશ પ્રથમ સ્થાન પર છે. જ્યાં હેટ ક્રાઈમની ૧૮ ઘટનાઓ ઘટી છે જ્યારે આ મામલે ગુજરાત બીજા નંબરે છે. ગુજરાતમાં હેટ ક્રાઈમની ૧૩ ઘટનાઓ પ્રકાશમાં આવી છે. જ્યારે હેટ ક્રાઈમની ૮ ઘટનાઓ સાથે રાજસ્થાન ત્રીજા નંબરે અને તમિલનાડુ અને બિહાર ક્રમશઃ ચોથા અને પાંચમા નંબરના સ્થાને છે. જ્યાં હેટ ક્રાઈમના ૭ મામલાઓ સામે આવ્યા છે. એમ્નેસ્ટીનો આ રિપોર્ટનો હાપુડમાં મોબલિંચિંગ મામલે ચાલી રહેલ તપાસ દરમિયાન ખુલાસો કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, હાપુડમાં ગૌહત્યાના આરોપમાં જૂન મહિનામાં મોહમ્મદ કાસિમ નામના એક મુસ્લિમ શખ્સને ટોળાએ મારપીટ કરી રહેંસી નાંખ્યો હતો. જ્યારે આ ઘટનામાં માંડ માંડ બચી ગયેલ ૬ર વર્ષીય સમીયુદ્દીનને પણ પોલીસ સામે આ મામલે સંઘર્ષ કરવો પડ્યો હતો. પોલીસે આ મામલાને ગૌહત્યાનો મામલો ન માનીને અકસ્માત અંગેનો ઝઘડો બતાવ્યો હતો. દાદરીમાં મોહમ્મદ અખલાકની હત્યા બાદ એમ્નેસ્ટી ઈન્ટરનેશનલે દેશમાં હેટ ક્રાઈમની ઘટનાઓના આંકડા એકત્રિત કરવા શરૂ કર્યા હતા. વર્ષ ર૦૧પમાં ટોળાએ ઘરમાં બીફ મૂક્યું હોવાની શંકામાં અખલાકની હત્યા નિપજાવી હતી. આ સિવાય એમ્નેસ્ટીની વેબસાઈટ ‘હોલ્ટ ધ હેટ’ પર આવા ૬૦૩ મામલાઓ સામે આવી ચૂક્યા છે.
રિપોર્ટ અનુસાર વર્ષ ર૦૧૮ના પ્રારંભિક મહિનાઓમાં અત્યાર સુધી બનેલ કુલ અપરાધોમાંથી દલિતો વિરૂદ્ધ ૬૭ જ્યારે મુસ્લિમો વિરૂદ્ધ રર મામલા જાણમાં આવ્યા છે. હેટ ક્રાઈમના મામલાઓમાં ગૌ સંબંધિત હિંસા અને ઓનરકિલિંગ સૌથી મોટું મુખ્ય કારણ છે. ઉત્તરપ્રદેશના એક રાજ્યમાં જાતિ અને ધર્મના નામે અનેકો વાર હિંસા ભભૂકી છે. દલિતો વિરૂદ્ધ મેરઠ, મુઝફ્ફરનગર, સહારનપુર અને બુલંદ શહેરમાં સૌથી વધુ ઘટનાઓ ઘટી છે. રિપોર્ટ અંગે એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ ભારતના કાર્યકારી નિયામક આકાર પટેલે જણાવ્યું કે, હેટ ક્રાઈમ અન્ય અપરાધો કરતા જુદું છે. એની પાછળ ભેદભાવ મુખ્ય કારણ છે.