(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા.૧૬
અમરેલી ગોંડલ અને જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના ૧પ૦૦થી વધુ ગામોમાં ત્રણ દિવસ સુધી પાણી વિતરણ બંધ રહેશે. મુખ્ય ગણાતી લાઈન ઉપરના રિપેરીંગ કામ અન્વયે ૧૬થી ૧૮ તારીખ સુધી મોટાભાગના વિસ્તારોમાં પાણીની અસર સર્જાશે. રિપેરીંગ કામ સમય મર્યાદામાં પૂર્ણ નહીં થાય તો પાણીના વિતરણમાં વધારો થઈ શકશે.
ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ માધ્યમ દ્વારા ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ મારફત સૌરાષ્ટ્રભરમાં પાણી પુરવઠાનો જથ્થો આગામી ત્રણ દિવસ સુધી શટડાઉન કરી વિતરણ કાર્ય બંધ રહેનાર હોવાનું સરકારી સુત્રોમાંથી જાણવા મળેલ છે.
જીડબલ્યુઆઈએલ દ્વારા નાવકાથી આવતી મુખ્ય પાણીની લાઈન અંગે ગઢડા-ચાંવડ, ચાંવડથી-અમરેલી, ચાંવડથી-બાબરા, બાબરાથી-કોટડાપીઠા અને ચાંવડથી-ધરાઈ, ધરાઈથી ગોંડલ તથા ધરાઈથી જૂનાગઢ વિસ્તારમાં પાણી પૂરૂં પાડવામાં આવી રહ્યું છે. જેમાં રાજકોટ જિલ્લાના જસદણ ગોંડલ વગેરેનો સમાવેશ થાય છે.
હાલ મુખ્ય સંપ ગણાતા ગઢડા (સ્વામી)ના ખાતે પંપીંગ સ્ટેશનમાં પંપોના રિપ્લેસમેન્ટ કામો પૂર્ણ થયા બાદ એસ્સાર પંપીંગ સ્ટેશનની ૧૯પ૦ મીમી વ્યાસથી હેડર પાઈપલાઈનમાં લીકેજ રિપેરીંગ તથા ચાંવડથી ચમારડી સુધી ૭.પ કિમીની પાઈપલાઈન બદલવાની કામગીરી તેમજ ચાંવડ ખાતે એનસીની ૩૬ લાઈન સાથે કાયમી કનેકશન કરવાની કામગીરી હાથ ધરાશે. જેથી આ મોનમાં આવતા બાબરા-અમરેલી-જૂનાગઢ-ગોંડલ અને જસદણ સહિતના વિસ્તારોમાં પાણી વિતરણ ત્રણેક દિવસ ઠપ્પ રહેશે. આ અમરેલી જિલ્લા પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડના મુખ્ય અધિ. દ્વારા જણાવવામાં આવ્યું છે.