અમરેલી, તા.૨૨
અમરેલી જેશીંગપરામાં રહેતા અને વોર્ડ નંબર ૮ના નગરપાલિકા સદસ્યને ગટરના ભૂંગળા નાંખવા બાબતે ગાળો આપી મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
અમરેલી જેશીંગપરા રહેતા અને વોર્ડ નંબર-૮ના સદસ્ય દલપતભાઈ અરજનભાઇ ચાવડા (ઉ.વ.૪૫)ના ગઈકાલે રાત્રિના જૂના ચોરા પાસે ધાર્મિક કાર્યક્રમ પતાવી ઘરે જતા હતા. ત્યારે ભાવેશ જ્યંતિભાઈ માંગરોળિયા નામના યુવાને આવી દલપતભાઈને કહેલ કે શેરીમાં ગટરના ભૂંગળા ક્યારે નાંખવાના છે તેમ કહેતા દલપતભાઈએ કહેલ કે આચારસંહિતા ચાલી રહી હતી. એટલે સમય લાગેલ છે કાલે ભૂંગળા નાંખી દઈશ તેમ કહેતા ભાવેશ ઉશ્કેરાઈ જઈ કહેલ કે રાજીનામાં આપી દયો તેમ કહી ગત ચૂંટણીની દાજ રાખી ગાળો આપી મૂઢમાર મારી કાલે ગટરના ભૂંગળા નથી નાંખ્યા તો તારી ખેર નથી તને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપતા સદસ્ય દલપતભાઈએ ભાવેશ માંગરોળીયા સામે સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.