બિટકોઈન હવાલા કૌભાંડ : અમરેલીના એસપી જગદીશ પટેલ સસ્પેન્ડ કરાતાં ઘર ભેગા

અમદાવાદ,તા. ૩
ગુજરાતભરમાં ખળભળાટ મચાવનારા બિટકોઇન કેસમાં અમરેલીના આરોપી એસપી જગદીશ પટેલ વિરૂધ્ધ રાજય સરકાર દ્વારા બહુ મોટી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં રાજયના ગૃહવિભાગ દ્વારા અમરેલી એસપી જગદીશ પટેલને ડિમ્ડ સસ્પેન્શન હેઠળ ઉતારી દેવાયા છે. એટલે કે, હાલ રિમાન્ડ પર રહેલા એસપી જગદીશ પટેલ આગામી દિવસોમાં જો કોર્ટ દ્વારા જામીનવ પર મુકત થાય તો પણ ફરજ પર હાજર થઇ શકશે નહી. રાજયના ગૃહવિભાગ દ્વારા આ ભ્રષ્ટ ઉચ્ચ અધિકારીને ફરજ પર હાજર નહી કરવા સંબંધિત સત્તાવાળાઓને ખાસ આદેશ કર્યો છે. બીજીબાજુ, એસપી જગદીશ પટેલ હાલ સ્પેશ્યલ એસીબી કોર્ટ દ્વારા તા.૫મી મે સુધીના રિમાન્ડ પર સોંપાયેલા છે. જેથી તપાસનીશ એજન્સી સીઆઇડી ક્રાઇમે આ ચકચારભર્યા પ્રકરણમાં તેમની ઝીણવટભરી પૂછપરછ કરી તપાસ હાથ ધરી રહી છે. બિટકોઇન કેસમાં અગાઉ સીઆઇડી ક્રાઇમે આરોપી એસપી જગદીશ પટેલને સ્પેશ્યલ એસીબી કોર્ટ સમક્ષ રજૂ કરી ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી અને તા.૧લી મે સુધીના છ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જેની મુદત પૂરી થતાં તપાસનીશ એજન્સીએ બે દિવસ પહેલાં ફરી આરોપી એસપી જગદીશ પટેલને કોર્ટ સમક્ષ રજૂ કરી વધુ રિમાન્ડ માંગ્યા હતા. જેમાં સરકારપક્ષ તરફથી મુખ્ય સરકારી વકીલ સુધીર બી.બ્રહ્મભટ્ટે વધુ રિમાન્ડની માંગણી કરતાં જણાવ્યું હતું કે, આ કેસમાં આરોપી એસપી જગદીશ પટેલ રૂ.૧.૩૩ કરોડની મસમોટી રકમ મામલે કોઇ ફોડ પાડતા નથી અને તેથી તેના સમગ્ર ઘટનાક્રમ વિશે તેમની પાસેથી માહિતી કઢાવવાની છે, આ ગુનામાં મોટા પ્રમાણમાં નાણાંકીય વ્યવહારો થયા હોઇ સીડીઆર એનાલિસીસ કરી ટેકનીકલ મદદથી આરોપીને સાથે રાખી તપાસ કરવી જરૂરી છે.,આ કૌભાંડમાં હજુ સાત આરોપી પોલીસ કર્મચારીઓ નાસતા ફરે છે, તેથી તેઓના વિશેની માહિતી પણ આરોપી એસપી પાસેથી કઢાવવાની છે, આરોપીના તાબાના કર્મચારીના ઘરે તપાસનીશ એજન્સીએ પાડેલા દરોડા દરમ્યાન એસપી જગદીશ પટેલે છુપાવેલા અગત્યના દસ્તાવેજો મળી આવ્યા છે અને તેથી તેને લઇને પણ તપાસ કરવાની છે. આ સંજોગોમાં કેસની તપાસ ન્યાયિક હિતમાં જરૂરી હોઇ આરોપી એસપીના વધુ રિમાન્ડ મંજૂર કરવા જોઇએ. આ દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપી એસપી જગદીશ પટેલના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. બીજીબાજુ, રાજય સરકાર દ્વારા આરોપી એસપી જગદીશ પટેલ વિરૂધ્ધ આજે ગંભીર શિક્ષાત્મક કાર્યવાહીનો આદેશ કર્યો હતો અને તેમને ડિમ્ડ સસ્પેન્શન હેઠળ ઉતારી દેવાયા હતા. જેને પગલે હવે આગામી દિવસોમાં જો તેમને કદાચ કોર્ટમાંથી જામીન મળી પણ જાય તો પણ તેઓ ફરજ પર હાજર નહી થઇ શકે. સરકારના ગૃહવિભાગ દ્વારા આ અંગેનો આદેશ પણ જારી કરી દેવાયો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks