(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા. ૩૧
અમરેલી જિલ્લામાં કુલ ૧૬૦૦ ખાનગી લકઝરી બસો અમરેલીની આરટીઓ કચેરીમાં પાસિંગ થયેલ હોવાનું રેકર્ડમાં બોલે છે અને રાજ્યના અન્ય જિલ્લાની સરખામણીએ અમરેલી આરટીઓ કચેરીમાં બસોનુ પાસિંગ થયેલ હોવાનો આંકડો મોટો હોઈ જેથી આ કચેરીમાં કંઈક ખોટું થતું હોવાનું પ્રથમ દૃષ્ટિએ જણાઈ આવે છે.
અમરેલીના સામાજિક કાર્યકર અને આરીટીઆઈ એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડિયાએ આ બાબતે જણાવ્યું હતું કે અમરેલી આરટીઓ કચેરીમાં વર્ષના અંતના મહિના સપ્ટે, ઓક્ટો અને નવેંબરમાં ખાનગી લકઝરી બસોનું પાસિંગ કરવાનું હોઈ છે ત્યારે રૂબરૂ બસ લઈને આવી પાસિંગ કરવાનું હોય છે અને તે માટે હાજર વાહન બસના ફોટા અપલોડ કરવાના હોય છે અને ત્યારબાદ તે વાહનની એન્ટ્રી કરવાની હોય છે. પરંતુ આરટીઓ કચેરીના અધિકારીઓ દ્વારા લકઝરી બસો બહાર ગામ હોવા છતાં તેમનું પાસિંગ કરી ફોટા મંગાવી અપલોડ કરી પાસિંગ કરી આપે છે અને તે માટે વાહન હાજર ન હોય તો પણ ડબલ પૈસા લઇ પાસિંગ કરી આપવામાં આવે છે અને મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. આ બાબતે નાથાલાલ સુખડીયાએ રાજ્યના આરટીઓ કમિશનરને લેખિતમાં ફરિયાદ કરી આરટીઓ કચેરીમાં અગાઉ ૧૦ વર્ષમાં નોકરી કરી ગયેલ અને હાલના અધિકારીઓ સામે તપાસ કરવા રજૂઆત કરતા ખળભળાટ મચેલ છે.