અમરેલીનું ભેંકરા ગામ કે જ્યાં મોબાઈલ પર વાત કરવા વીજથાંભલા પર ચડવું પડે છે !

સાવરકુંડલા, તા.૨૮
ભારત દેશ ડિજિટલ ઇન્ડિયા તરફ દોટ મૂકી રહ્યું છે પણ ગ્રામ્ય વિસ્તારોમાં ડિજિટલ ઇન્ડિયાની વરવી વાસ્તવિકતા અનોખી જ છે. અમરેલી જિલ્લાના ભેંકરા ગામમાં મોબાઈલના ટાવર નથી મળતા અને લોકોને મોબાઇલનો ઉપયોગ કરવા વીજપોલ પર ચડવું પડે છે છતાં ભારત ડિજિટલ ઇન્ડિયાની ગુલબાંગો ફેંકે છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું ભેંકરા ગામ… આ ભેંકરા ગામ હજુ આદિકાળમાં જીવતું હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. ૩ હજારની વસ્તી ધરાવતા ગામમાં લોકો મોબાઈલ તો રાખે છે પણ મોબાઇલનો ઉપયોગ કરવા માટે વીજપોલ પર ચડીને વાતો કરવા મજબૂર બને છે. આ ભેંકરા ગામમાં મોબાઇલના ટાવર ન હોવાથી ગ્રામજનો હેરાન-પરેશાન છે અને જીવના જોખમે ચાલુ વીજપોલ પર ચડીને પોતાના સગા-સંબંધીઓ સાથે માંડ માંડ વાત કરી શકતા હોય છે. ક્યારેક તો ઈમરજન્સી ૧૦૮ કે પોલીસ તંત્રને ફોન કરવા માટે સ્થાનિકોને પગે પાણી ઉતરી જાય છે. ડિજિટલ ઇન્ડિયા તરફની કેન્દ્ર સરકારની દોટ ગ્રામ્ય વિસ્તારોમાં નિરર્થક સાબિત થઇ રહી છે. ખાનગી કે સરકારી કોઇપણ કંપનીના ટાવર કે લેન્ડલાઈન ફોનની સુવિધાઓ આ ભેંકરા ગામમાં નથી. જેથી ગ્રામજનો મોબાઇલની કનેક્ટીવિટી વિના જીવ જોખમમાં મૂકીને મોબાઇલનો ઉપયોગ કરી રહ્યા છે. ગામમાં કોઈ બીમાર હોય કે તંત્રને બોલાવવું હોય ત્યારે મોબાઇલ સાવ શોભાના ગાંઠિયા સમાન સાબિત થાય છે. સરકાર મોટી મોટી વાતો કરતી હોવાની વાતો ગ્રામજનો કરી રહ્યા છે પણ ફક્ત મોબાઇલનો ટાવર ઊભો કરી શકવાની ક્ષમતા તંત્રમાં ન હોવાનો વસવસો ગ્રામજનો વ્યકત કરે છે ત્યારે આ ગામના સરપંચ અરશીભાઈ શ્યોરા પણ વીજપોલ પર ચડીને મોટે મોટેથી બરાડા નાખીને વાતો કરતા નજરે પડ્યા હતા અને સરપંચને મોબાઇલના ટાવર અંગે પૂછતાં સરપંચે તો લેખિત જિલ્લા તંત્રને પાઠવેલ પત્ર બતાવીને જણાવ્યું હતું. મોબાઇલના ટાવર ન હોવાથી સરપંચે આગામી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારીને જિલ્લા તંત્રને પત્ર પાઠવી દીધો છે ત્યારે સાવરકુંડલા તાલુકાના યુવા કાર્યકર રણજીત કાછડિયા ગ્રામજનોની વ્હારે આવ્યા છે અને રણજીતભાઈ આ અંગે તુરંત ઘટતું થાય તેવી તંત્રને રજૂઆત કરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks