
અમદાવાદ, તા.ર૭
સમગ્ર રાજ્યમાં અનેકવાર પોલીસ અને આરોગ્ય તંત્રએ નકલી અને ભેળસેળ કરી અનેક વસ્તુઓ વેચતા શખ્સોના કારસ્તાન ઉઘાડા પાડ્યા છે ત્યારે રાજકોટમાં સુવિખ્યાત અમૂલ બ્રાન્ડનું નકલી ઘી બનાવી ડબ્બા, પાઉચમાં ભરી વેચતા બે ભાઈઓને ઝડપી લઈ પોલીસે તેમની પાસેથી રૂા.ર૭૮,ર૮૦નું નકલી ઘી જપ્ત કરી આ કારસ્તાનમાં કોણ કોણ સામેલ છે તેની તપાસ શરૂ કરી છે. આ ઘટના સામે આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી હતી. શહેરમાં આરોગ્ય સાથે કેવો ચેડાં થઈ રહ્યા છે ની ચર્ચાઓ વેગવંત બની હતી. રાજકોટના કોઠારિયા રોડ પર રણુજા મંદિર પાછળ શીવધામ સોસાયટી-૩માં રામેશ્વર ડેરી તથા સાથે ગોડાઉન ધરાવતાં અને શીવધામમાં જ રહેતાં મામા-ફઇના બે પટેલ ભાઇઓ પોતાની ડેરી પાછળના ગોડાઉનમાં અમૂલ બ્રાન્ડના નકલી ઘીના પેકીંગ કરી તેનું વેંચાણ કરતાં હોવાની માહિતી હેડકોન્સ. પંકજભાઇ દિક્ષીતને મળતા પી.આઇ. પી.એન. વાઘેલાની રાહબરીમાં પી.એસ.આઇ. ડી. બી. ગઢવી, એએસઆઇ ચેતનભાઇ એમ. ચાવડા, પંકજભાઇ દિક્ષીત, સવજીભાઇ બાલાસરા, વિપુલભાઇ રબારી, હરપાલભાઇ સહિતના સ્ટાફે દરોડો પાડતાં ડેરી પાછળના ગોડાઉન (રૂમમાંથી) અમૂલ બ્રાન્ડના ૧૦ ઘીના ડબ્બા રૂા. ૪૮ હજારના, ૫૦૦ એમએલ ઘીના ૧૦૯૦ પાઉચ રૂા. ૨,૦૭,૧૦૦ તથા ૧ લિટર ઘીના પાઉચ ૬૧ નંગ રૂા. ૨૩,૧૮૦ના મળી કુલ રૂા. ૨,૭૮,૨૮૦નું ઘી મળી આવ્યું હતું.
પોલીસે ગુજરાત કો. ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિ. (જીસીએમએમએફ લિ.) અમૂલના રાજકોટ બ્રાન્ચના મેનેજર મૂળ અમદાવાદ હાલ રાજકોટ રૈયા રોડ ગુલાબનગર-૪માં રહેતાં ઉચિત મોૈલેશભાઇ દેસાઇ (ઉ.૨૮)ને બોલાવી તપાસ કરાવતાં અમૂલના નામે ડબ્બા, પાઉચમાં ભરવામાં આવેલુ ઘી નકલી હોવાનું અને પાઉચ તથા ડબ્બા ઉપરના અમૂલના એગમાર્ક લેબલ પણ નકલી હોવાનું ખુલતાં પોલીસે તેની ફરિયાદ પરથી ડેરીના સંચાલકો મામા-ફઇના બે ભાઇઓ પ્રકાશ અરવિંદભાઇ કાપડિયા (પટેલ) (ઉ.૨૩) તથા મહેશ જયંતિભાઇ ગજેરા (પટેલ) (ઉ.૨૩) (રહે. બંને શીવધામ સોસાયટી-૪) સામે આઇપીસી ૨૭૨, ૨૭૩, ૪૨૦, ટ્રેડ એન્ડ મર્કેન્ડાઇઝ માર્ક એકટ ૧૯૫૮ની કલમ ૭૮ બી,ડી, ઇ હેઠળ નકલી ઘીને અમૂલના નામે પેક કરી વેચાણ કરી જાહેર જનતા સાથે છેતરપિંડી કરવા સબબ ગુનો નોંધી ધરપકડ કરી હતી.
પ્રાથમિક પૂછતાછમાં આ બંનેએ પોતે બે મહિનાથી આ રીતે નકલી ઘી અમૂલ માર્કાવાળા ડબ્બા, પાઉચમાં પેક કરી છૂટક-છૂટક દૂકાનદારો, ડેરીઓમાં અસલી ઘીની મૂળ કિંમત કરતાં ઓછા ભાવે વેચાણ કરી નફો રળતાં હોવાનું રટણ કર્યું હતું. જો કે આ કૌભાંડમા અન્ય લોકો સામેલ છે કે નહીં ? અને અન્ય વિગતો મેળવવા પોલીસે પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી.