(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૧૫
રમજાન માસમાં રોજા રાખી અલ્લાહની ઈબાદત કર્યા બાદ ઈદુલફીત્રની ઉજવણીને લઈને મુસ્લીમોમાં ભારે ઉત્સાહ પ્રવર્તી ઉઠે છે. પરંતુ આ વર્ષે ઈદના ચાંદને લઈને સહમતી નહીં સધાતા આજે આણંદ શહેર સહીત જીલ્લાભરમાં તબ્લીગ જમાતના મુસ્લીમો દ્વારા ઈદગાહોમાં નમાજ પઢી એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવી ઈદુલફીત્રની ઉજવણી કરી હતી. જયારે સુન્ની જમાતના મુસ્લીમ બીરાદરો આવતીકાલે ઈદની ઉજવણી કરશે આમ આ વખતે મુસ્લીમ સમાજમાં અલગ અલગ રીતે ઈદની ઉજવણીને લઈને અનેક મુસ્લીમ બીરાદરોમાં નારાજગી પ્રવર્તી રહી હતી.
તબ્લીગ જમાતના ઉલેમાઓ દ્વારા દક્ષિણ ગુજરાતમાં કેટલાક સખ્સો દ્વારા ચાંદ જોયો હોવાની ગવાહીને માન્ય રાખી આજે ઈદની ઉજવણી કરવાનું એલાન કર્યું હતું. જયારે સુન્ની જમાતની ગુજરાત ચાંદ કમીટી દ્વારા ચાંદની ગવાહી નહીં મળતાં શનીવારે ઈદની ઉજવણી કરવાની જાહેરાત કરાઈ હતી.
આણંદ શહેરમાં ઈદગાહ ખાતે મુસ્લીમ બીરાદરોએ ઈદની નમાજ અદા કરી એકબીજાને ગળે ભેટીને ઈદની મુબારક બાદી પાઠવી હતી. આ પ્રસંગે મોલાના ઈસ્માઈલ સારોદી તેમજ જમીયતે ઉલેમાના સેક્રેટરી એમ.જી. ગુજરાતી સહીત આગેવાનોએ તમામ મુસ્લીમ બીરાદરોને ઈદની મુબારક બાદી પાઠવી હતી. ઈમામ સાહેબે કહ્યું હતું કે પાડોશમા કોઈપણ ગરીબ પરીવાર ઈદની ખુસીઓથી વંચીત ન રહે તે માટે મદદ કરવા પણ અનુરોધ કર્યો હતો. જયારે વીવીધ મસ્જીદોમાં પણ ઈદની નમાજ અદા કરવામાં આવી હતી. જયારે બોરસદની ફતેપુરા મસ્જીદમાં પણ ઈદની નમાજ અદા કરવામાં આવી હતી.