(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા.૧૮
પર્સનલ કેર ટ્રસ્ટના ઉપક્રમે આણંદ જિલ્લાના તેજસ્વી મુસ્લિમ વિદ્યાર્થીઓને સન્માનવાનો કાર્યક્રમ ટાઉન હોલ, આણંદ ખાતે યોજાઈ ગયો, જેમાં ૧૫૪ તેજસ્વી વિદ્યાર્થીઓનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તિલાવતે કુર્આનથી કાર્યક્રમની શરૂઆત કર્યા બાદ પર્સનલ કેર ટ્રસ્ટના ઉપપ્રમુખ યાસીનભાઈ તારાપુરવાળાએ સ્વાગત પ્રવચન કર્યા બાદ ટ્રસ્ટના ટ્રેજરર ડા.ઈસ્માઈલભાઈ મન્સુરીએ ટ્રસ્ટની પ્રવૃત્તિનો અહેવાલ અને પરિચય આપ્યો હતો. આ પ્રસંગે અતિથિપદે ઉપસ્થિત નજીરભાઈ મલેકે પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે, માતા-પિતાએ સંતાનોની કેળવણી પાછળ કરેલા ખર્ચનું વળતર આપવાની જવાબદારી સંતાનોની છે. આ પ્રસંગે અતિથિપદે ઉપસ્થિત ડભોઉ હાઈસ્કૂલના આચાર્ય ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ્રબળ ઈચ્છા શક્તિ ધરાવતા લોકો ઈતિહાસ સર્જે છે, પ્રબળ ઈચ્છા શક્તિ સફળતાની આડે આવતા દરેક અવરોધોને પાર કરીને સફળતાને પામે છે, ત્યારે તેઓએ વિદ્યાર્થીઓને પ્રબળ ઈચ્છા શકિત અને આત્મ વિશ્વાસથી આગળ વધવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે આણંદની ડી.એન હાઈસ્કૂલના કેમ્પસ ડાયરેકટર મહેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજે સન્માન મેળવનાર વિદ્યાર્થીઓએ પોતાની કારકિર્દીમાં સફળતા મેળવ્યા બાદ મળેલા સન્માનનું ઋણ સમાજને પરત કરવાની જવાબદારી પણ રહેલી છે, તેઓએ સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત થયા બાદ જીપીએસસી અને યુપીએસસીની પરીક્ષાઓ આપી પુરૂષાર્થ થકી સફળતા પ્રાપ્ત કરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાનપદે ઉપસ્થિત શીખ ધર્મનાં ધર્મગુરૂ જ્ઞાની મહિન્દરસિંગજીએ જણાવ્યું હતું કે, બંદાની મહેનત અને ખુદાની રહેમત હોય તો સફળતા અવસ્ય પ્રાપ્ત થાય છે. આ પ્રસંગે મુખ્ય મહેમાનપદે ઉપસ્થિત જિલ્લા શિક્ષણાધિકારી ડા.એમ બી.શર્માએ વિદ્યાર્થીઓને મહેનત દ્વારા એવું મેરીટ લાવવા અનુરોધ કર્યો હતો કે, જેથી તેના મેરીટને કોઈ ચેલેન્જ ન કરી શકે, અને ધ્યેય પ્રાપ્ત થાય, તેઓએ સમાજ માટે પોતાની જાતને ધસી નાખનાર સમાજના અગ્રણીઓનું પણ સમયાંતરે સન્માન કરવા અનુરોધ કર્યો હતો. પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ શબ્બીરભાઈ ગાંધી વલાસણવાળા, જોઈન્ટ સેક્રેટરી ચિનાકાકા ઉપસ્થિત રહ્યા હતા, શબ્બીરભાઈ ગોધરાવાળા, નુરમોહંમદ બાકરોલવાળા તેમજ પર્સલન કેર વિદ્યાલયના સ્ટાફે ભારે જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.