(સંવાદદાતા દ્વારા) આણંદ, તા. ૪
આણંદ શહેર સહીત જીલ્લાભરમાં આજે સવારે આઠ વાગ્યાથી ધીમી ધારે વરસાદ શરૂ થયું હતો અને સવારે આઠ થી દસ વાગ્યા દરમિયાન ૨૩ મીમી વરસાદ વરસ્યો હતો. અને દસ વાગ્યા બાદ વરસાદનું જોર વધ્યુ હતું અને ૧૦ થી ૧૨ વાગ્યાનાં સમય દરમિયાન ૮૨ મીમી એટલે કે લગભગ સવા ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબકતા શહેરમાં નયા વતન સોસાયટી, જુના યોગી પેટ્રોલ પંપ સામે, પાયોનીયર હાઈસ્કુલ પાસે, અક્ષરફાર્મ રોડ,ઈસ્માઈલનગર, નુતન નગર સોસાયટી ,ઉમરી નગર સહીત વીવીધ નીચાણવાળા વીસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા અને અડધાથી એક ફુટ જેટલા પાણી ભરાવાનાં કારણે લોકોને અવર જવર કરવામાં ભારે તકલીફ પડી હતી, વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોમાં આનંદ છવાઈ જવા પામ્યો છે.બપોરે ૧૨ વાગ્યા બાદ વરસાદે વિરામ લીધો હતો, જયારે જગતનો તાત ખેડુત વાવણીલાયક વરસાદને લઈને આનંદીત થઈ ઉઠયો છે.અને વાવણી કરવાની તૈયારીઓ આરંભી છે.
જયારે બોરસદ શહેરમાં પણ વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો હતો અને ત્યારબાદ વરસાદનું જોર વધ્યું હતું જેના કારણે નાના બાળકોમાં આનંદ પ્રસરી ગયો હતો. અને બાળકો વરસાદની મજા માણવા માટે રસ્તાઓ ઉપર ઉતરી આવ્યાં હતાં. વરસાદના કારણે કેટલાક નીચાણવાળા વીસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યું છે.
જયારે ખંભાત પંથકમાં ઝડપી પવન સાથે વરસાદનો પ્રારંભ થયો હતો અને ધીમી ધારે વરસાદ પડયો હતો અને વરસાદના કારણે ઠંડક પ્રસરી જતા લોકોમાં આનંદ છવાઈ ગયો હતો. જયારે તારાપુર સહીત ભાલ પંથકમાં પણ વહેલી સવારથી જ વરસાદનો પ્રારંભ થયો હતો અને હળવા પવન સાથે ધીમી ધારે વરસાદ થયો હતો. અને ત્યારબાદ ધીમે ધીમે વરસાદનું જોર વધતુ ગયું હતું. વરસાદના કારણે સુકાતા જતા ધરુવાડીયાઓને જીવતદાન મળ્યું છે. જેને લઈને ખેડુતોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.
જિલ્લા પુર નિયંત્રણ કક્ષે આપેલા સવારે આઠથી ૦૨ વાગ્યા દરમીયાન વરસાદના આંકડા અનુસાર આણંદ ૧૧પ મીમી (૪.૫ ઈંચ), ઉમરેઠ ૬૭ મીમી (ર.પ ઈંચ),બોરસદ ૮૩ મીમી (૩.પ ઈંચ),આંકલાવ ૪૭ મીમી (૨ ઈંચ),પેટલાદ ૩૭ મીમી (૧.૫ ઈંચ) ,સોજીત્રા ૬૬મીમી (ર.પ ઈંચ),તારાપુર ર૫ મીમી (૧ ઈંચ)વરસાદ નોંધાયો.