(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૯
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની આખરે મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રી પદેથી હટાવી લેવાયા બાદ તેમને લઈને ઘણી અટકળો ચાલતી હતી. તે દરમ્યાન જ તેમણે પક્ષ જે જવાબદારી સોંપશે તે સ્વીકારવાનું વિધાનસભા ચૂંટણી અગાઉ જે નિવેદન આપ્યું હતું તે સૂચક હતું. જેના અનુસંંધાને આજે તેમને મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નિમવામાં આવતાં તેમના ટેકેદારો સહિતના વર્તુળોમાં ખુશીની લહેર વ્યાપી જવા પામી હતી. આ સાથે જ તેમને રૂબરૂ મળીને તથા ફોન વગેરે દ્વારા અભિનંદન આપવા ધસારો શરૂ થઈ ગયો હતો. આનંદીબેન પટેલ ર૦૧૪થી અઢી વર્ષ સુધી રાજ્યના પ્રથમ મહિલા મુખ્યપ્રધાન તરીકે રહ્યા હતા. તે બાદથી જ તેમને નવું સારૂ પદ આપવા માટેની ચર્ચાઓ શરૂ થઈ જવા પામી હતી. તેઓ ૧૯૮૭થી ભાજપમાં સક્રિય રીતે કામ કરી રહ્યા છે અને પક્ષમાં વિવિધ જવાબદારીઓ સાથે સરકારમાં વિવિધ ખાતાઓ પણ સંભાળી ચૂક્યા છે. વિધાનસભાની ચૂંટણી વખતે જ તેમણે ચૂંટણી ન લડવાનો જે ઈશારો કર્યો હતો તે સૂચક મનાતો હતો ત્યારે હવે તેઓ રાજ્યપાલ તરીકેની નવી ભૂમિકા નિભાવશે.