અનંતનાગના બનાવ માટે સરકાર જવાબદાર; રાષ્ટ્રપતિ શાસન લાદો

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.૧૧
કાશ્મીર ખીણ કે જે હાઈસિકયુરિટી ઝોન હોવા છતાં યાત્રાળુઓની લકઝરી બસ રજિસ્ટ્રેશન કરાવ્યા વગર કેવી રીતે પ્રવેશી ? તેવો વેધક પ્રશ્ન ઉઠાવી ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે જો આ બસમાં યાત્રાળુઓને બદલે આતંકવાદીઓ હોત તો ? આ બાબતથી જ સલામતીની નિષ્ફળતા પુરવાર થાય છે. આથી જમ્મુ કાશ્મીરની પ્રજાના હિત માટે અને દેશની સુરક્ષા જળવાય તે માટે જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા મારી માગણી છે.
શંકરસિંહ વાઘેલાએ આતંકવાદીઓના આવા કાવતરાપૂર્ણ અને અમાનવીય કૃત્યને સખત શબ્દોમાં વખોડી જણાવ્યું હતુ કે મૃતકો અને તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યકત કરી પરિવારજનોને આશ્વાસન આપીને કે સરકાર પાસે સહાયની માગણી કરી લેવાથી વાત પુરી થતી નથી. આવા બનાવો બાદ રાજય અને કેન્દ્ર સરકારની ભૂમિકા મહત્વની હોય છે કાશ્મીરમાં નિષ્ફળ રહેલ સરકારને લીધે કાશ્મીર ખીણ સરકારના હાથમાંથી સરકતી જતી હોય તેવું લાગી રહ્યું છે. અનંતનાગના બનાવમાં સલામતીની નિષ્ફળતા પુરવાર થાય છે રજિસ્ટ્રેશન ન હોવાથી સલામતીની વ્યવસ્થા પુરી પાડવામાં ન આવી હોવાથી આવો દુઃખદ બનાવ બન્યો જેના માટે સરકાર જ જવાબદાર છે. ઉપરાંત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આ ઘટનાને વખોડી જઘન્ય અને કાયરતાપૂર્ણ કૃત્ય ગણાવ્યું હતું. મૃતકોના પરિવારજનો અને ઈજાગ્રસ્તો પ્રત્યે તેમણે સંવેદના વ્યક્ત કરી હતી. અને મૃતકોના પરિવારજનોના દુઃખમાં ભાગીદાર બનવા તેઓ તેમના નિવાસસ્થાનની મુલાકાત લેશે. તેમ જણાવ્યું હતું. સુરત કોંગ્રેસના મુસ્લિમ આગેવાન કદીર પીરઝાદાએ પણ આ ઘટનાને વખોડી કડક શબ્દમાં નિંદા કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks