(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૨
ભાજપની સદાય તરફદારી કરતી એક રાષ્ટ્રીય કક્ષાએ પ્રચાર કરતી ટીવી ન્યૂઝ ચેનલે આજે સયાજીબાગ ખાતે કોંગ્રેસ-ભાજપ વચ્ચે યોજેલી ડીબેટમાં બંને પક્ષના કાર્યકરો બાખડી પડતા કાર્યક્રમ સમેટી લેવાની ફરજ પડી હતી. ચેનલનો એન્કર ભાજપના આગેવાનો-કાર્યકરોને વધુ બોલવાની તક આપતો હતો. જ્યારે કોંગ્રેસની અવગણના કરતો હોવાથી કોંગ્રેસ વાળાઓ વિફર્યા હતા. સયાજીબાગ સ્થિત એમ્ફીથીએટર ખાતે એક રાષ્ટ્રીયકક્ષાની ન્યુઝ ચેનલે કોંગ્રેસ-ભાજપના નેતાઓ-કાર્યકરો વચ્ચે ડીબેટ યોજી હતી. આ ખાનગી ચેનલ ભાજપના પ્રચાર પ્રસાર માટે જાણીતી છે. ડીબેટની શરૂઆતથી જ એન્કર ભાજપના નેતાઓને બોલવાની વધુ તક આપતો હતો. જ્યારે કોંગ્રેસની ખુલ્લેઆમ અવગણના કરતો હતો. એન્કરની આવી એક તરફથી નીતિને કારણે કોંગીજનો છંછેડાયા હતા. તેમણે એન્કરને રોકડું પરખાવ્યું હતું કે, ભાજપવાળાને જ બોલવાની તક આપો છો તો અમને શું કામ બોલાવ્યા ? કોંગ્રેસની ટકોરને કાને ધર્યા વગર એન્કર ભાજપના નેતાઓ તરફ જ ઝુકાવ જારી રાખ્યો હતો. કોંગ્રેસના નેતાઓની ખુલ્લેઆમ અવગણના ચાલુ રાખી હતી. આથી કોંગીજનો એન્કર ઉપર ગુસ્સે ભરાયા હતા. ઉશ્કેરાયેલા કોંગી કાર્યકરો સ્ટેજ ઉપર ધસી ગયા હતા. આથી ભાજપના કાર્યકરો અગ્રણીઓએ કોંગ્રેસ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરતાં મામલો ડહોળાયો હતો. બંને પક્ષના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી. ગાળાગાળીથી માહોલ ડહોળાયો હતો. મામલો એટલો ગરમાયો કે પોલીસ દોડી આવી હસ્તક્ષેપ કર્યો હતો. કોંગ્રેસના કાર્યકરો નેતાઓએ ન્યુઝ ચેનલના કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો. વિપરીત પરિસ્થિતિ પામી ગયેલા ન્યુઝ ચેનલના એન્કરે આખરે કાર્યક્રમ સમેટી બિસ્તરા પોટલા ભરી રવાના થઈ ગયો હતો.