પાટણ જિલ્લાના દલિતોના જમીનોના પ્રશ્ને રસ્તા પર ઊતરી આવી આંદોલનની મેવાણીની ચીમકી

પાટણ,તા.૩૦
વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આજે પાટણ કલેકટર તથા નિવાસી અધિક કલેકટરને રૂબરૂ મળી આવેદનપત્ર આપી ભૂમિહિન દલિતોને સાંથણીની જમીનો સોંપવા ધારદાર રજૂઆત કરી આગામી ૩જી જુલાઈના રોજ શંખેશ્વર ખાતે આવેલી ખેત મંડળીની દલિતોને આપેલી જમીન ઉપર ખેડાણ કરવાની ચીમકી આપી માથા ભારે તત્વોનો ત્રાસ દુર કરવા કલેકટરને તાકીદ કરી હતી અને જિલ્લાના દલિતોના જમીનોના પ્રશ્નોના ર૧મી જુલાઈ સુધી નિરાકરણ નહીં થાય તો માર્ગો ઉપર ઉતરી આવી આંદોલન છેડવાની પણ ચીમકી અપાઈ હતી. પાટણ જિલ્લામાં ભૂમિહીન દલિતોને સાંથણીની જમીન આજદિન સુધી નહીં મળતા તેમજ આત્મવિલોપન કરી પ્રાણની આહુતિ આપનાર સ્વ. ભાનુભાઈ વણકરના બનાવ બાદ સરકારે છ માસમાં જમીનના લાભાર્થીઓને જમીનોની સોંપણી કરવામાં આવશે તેવી બાંહેધરી આપ્યા બાદ ચાર માસ થવા છતાં પણ જમીનના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા તેમજ દલિતો ઉપર રોજબરોજ વધતી જતી અત્યાચારની ઘટનાઓ રકવા આજે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પોતાના સમર્થકો સાથે આવી જિલ્લા કલેટર આનંદ પટેલ અને નિવાસી અધિક કલેકટર બી.જી. પ્રજાપતિને રૂબરૂ મળી આવેદનપત્ર આપી ધારદાર રજૂઆત કરી આ પ્રશ્નોનું ર૧ જુલાઈ સુધીમાં તત્કાલ નિવારણ લાવવાની તાકીદ કરી હતી અને જો જમીનોના પ્રશ્નો નહી ઉકેલાય તો દલિતો ર૧મી જુલાઈ બાદ માર્ગો ઉપર ઉતરી આવી આંદોલન કરશે. તેઓએ શંખેશ્વર ખાતે આવેલ સર્વે નં.પપ વાળી ખેત મંડળીની જમીન ઉપર માથાભારે તત્વો દ્વારા ખેડાણ કરવા નહી દેવાતા ૩જી જુલાઈના રોજ જિગ્નેશ મેવાણી પોતાના સમર્થકો સાથે ખેડાણ કરવા જશે અને કોઈ ઘટના બનશે તો તેની જવાબદારી તંત્રની તેવી ચીમકી ઉચ્ચારતા જિલ્લા વહીવટીતંત્ર હરકતમાં આવી ગયું હતું.
વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકાર દ્વારા જિગ્નેશ મેવાણી, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર સામે જાતિવાદના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આજે દલિતો ઉપર લાંબી મૂછ રાખવા નામ પાછળ સિંહ લખવા, બાઈક ચલાવવા, ગામના કૂવા ઉપર પાણી ભરવાના મામલે અત્યાચારો થઈ રહ્યા છે. દલિતોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. દલિતના જમીનના પ્રશ્ને ભાનુભાઈ વણકર જેવા આંબેડકરવાદી અગ્રણીએ આત્મવિલોપન કરી પ્રાણની આહુતિ આપતા રાજય સરકાર આ પ્રશ્ને એસ.આઈ.ટી.ની રચના કરી રિપોર્ટ સોંપવા જણાવ્યું હોવા છતાં હજુ સુધી રીપોર્ટ અપાયો નથી કે છ માસમાં દલિતોને આપવામાં આવેલી સાંથણીની જમીનો સોંપાઈ નથી ત્યારે આજે બનાસકાંઠા જિલ્લા બાદ પાટણ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી તાકીદ કરવામાં આવી છે. જિલ્લા કલેકટર આનંદ પટેલે આ રજૂઆત બાદ જણાવ્યું હતું કે, સાંથણીની જમીનોના જે પ્રશ્નો છે તેનું ત્વરિત નિરાકરણ લાવી દેવાશે. જયાં અન્ય લોકોએ કબજો કર્યો છે. તેવી જમીનો ખાલી કરાવી દલિત લાભાર્થીઓને સોંપાશે. સરકારી જમીનો ઉપર દબાણ કરી રહેતા પરિવારો માટે કોઈ જ કામ નહી કરી શકાય. જિલ્લામાં જે લાભાર્થીઓને જમીન નથી મળી તેવા લાભાર્થીઓની અરજી સંદર્ભે જિલ્લા વહીવટીતંત્ર તાકીદે કામગીરી હાથ ધરશે તેવી સુચના પણ સંબંધિત અધિકારીઓને આપવામાં આવી હતી. ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આગામી ૩જી જુલાઈના રોજ શંખેશ્વર ખાતે ખેતમંડળીની જમીન ઉપર ખેડાણ કરવાની ચીમકી ઉચ્ચારતા વહીવટીતંત્ર હરકતમાં આવી ગયું છે અને આ દિવસે પુરતો બંદોબસ્ત ગોઠવવા જિલ્લા પોલીસ અધિક્ષકને પણ તાકીદ કરાઈ હોવાનું જાણવા મળેલ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks