સાઉથ આફ્રિકામાં અંકલેશ્વરના સાજીદની ગોળી મારીને હત્યા

(સંવાદદાતા દ્વારા)  અંકલેશ્વર, તા.ર૬

સાઉથ આફ્રિકામાં મૂળ ભારતીય લોકો પર ત્યાંના સ્થાનિક નિગ્રો ગુનેગારો દ્વારા લૂંટફાટ તથા મોત નીપજાવવાના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે. જ્યાં વધુ એક કિસ્સામાં અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામના ભાઈઓ પર જીવણલે હુમલાની ઘટના બનતા એકનું મોત નીપજ્યું હતું.  પ્રાપ્ત વિગતો અનુસાર જૂના દીવા ગામના માંજરા ફળિયામાં રહેતા ગંગાત પરિવારના ત્રણ ભાઈઓ વર્ષોથી સાઉથ આફ્રિકાના મેરીશબર્ગ શહેરથી ૬પ કિ.મી. દૂર આવેલ એમ્પેસીયા પરગણામાં રહે છે અને રોજબરોજની જીવન- જરૂરિયાતની ચીજવસ્તુઓનો સ્ટોર ચલાવે છે. ત્રણ દિવસ પહેલા જ રાત્રિના સ્ટોર બંધ કરીને ત્રણેય ભાઈઓ ઘરે ગયા બાદ સ્થાનિક નિગ્રો-ગુનેગારો એમના સ્ટોર પર ત્રાટક્યા હતા અને રોકડ રકમ સહિત સ્ટોરની ચીજવસ્તુઓની પણ લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. લૂંટથી જ સંતોષ  ન  માનતા હોય એમ આ લૂંટારૂઓએ બીજા દિવસે આ ત્રણેય ભાઈઓના ઘરે સવારના પહોરમાં જ ધાડ પાડી હતી અને દરવાજો ખોલતા વેત જ આડેધડ ફાયરિંગમાં નાના ભાઈ સાજીદ ગંગાતને એક ગોળી ખભામાં જ્યારે અન્ય બે ગોળી શરીરના અન્ય ભાગોમાં વાગી હતી. જેમાં સારવાર દરમ્યાન સાજીદ ગંગાતનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બેને ઈજા થઈ હતી.  આ ઘટનાને પગલે સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી હતી.   અત્રે ઉલ્લેખનીય છે કે સાઉથ આફ્રિકામાં ભારતીયો પર અને ખાસ કરીને ભરૂચ જિલ્લાના અનેક લોકો પર જીવલેણ હુમલા થયા છે અને હત્યા થઈ છે પરંતુ સરકારની આ પરત્વે ઉદાસીનતા લોકોમાં આક્રોશ જન્માવી રહી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts