અંકલેશ્વરમાંથી બનાવટી ચલણી નોટો સાથે દંપતીની ધરપકડ

(સંવાદદાતા દ્વારા) અંકલેશ્વર, તા.ર૯
અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીકનાં કોમ્પ્લેક્ષમાં બનાવટી ચલણથી ખરીદી કરતા દંપતીની જીઆઇડીસી પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી શંકાસ્પદ વસ્તુઓ પણ કબજે કરી હતી.
અંકલેશ્વર રાજપીપળા રોડને અડીને આવેલ મીરાનગરના ગોપીનાથ રો-હાઉસમાં રહેતા અમિતકુમાર ભવરલાલ ચૌધરી નજીકમાં આવેલ હેપ્પી કોમ્પલેક્ષમાં માતાજી મેડિકલ એન્ડ જનરલ સ્ટોર ધરાવે છે. તેમના સ્ટોર પર તારીખ ૨૮મીએ એક દંપતી ખરીદી અર્થે આવ્યું હતું અને બનાવટી ચલણી નોટ વટાવીને તેઓએ ખરીદી કરી હતી. આ અંગેની જાણ મેડિકલ સ્ટોરના માલિક અમિત ચૌધરીને થતાં તેઓએ જીઆઇડીસી પોલીસને જાણ કરી હતી. પોલીસે ભેજાબાજ દંપતી શહેનાઝબાનું રસીદખાન પઠાણ અને તેનો પતિ રસીદખાન અબ્દુલ વહાબ પઠાણ, (રહેવાસી શેરપુરા,નિશાળ ફળિયુ, તાલુકો જિલ્લો ભરૂચ અને મૂળ રહેવાસી નિમાઝનગર, વટવા અમદાવાદ)ની ધરપકડ કરી હતી. અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે આરોપી દંપતી પાસેથી રૂપિયા ૧૦૦ના દરની બનાવટી નોટો નંગ ૨૫ જપ્ત કરી હતી. વધુમાં સાચી ચલણી નોટો જેમાં રૂપિયા ૫૦,૨૦,૧૦ તથા ૫ના દરની મળીને રૂપિયા ૪૦૮૫ રોકડ પણ પોલીસે કબજે કરી હતી. વધુમાં જીઆઇસીડી પોલીસની તપાસમાં આ દંપતી પાસેથી લીલા કલરનાં ચલણની નોટો ઉપર ચોંટાડવાની પેટ્ટીના ચળકતા ટુકડાઓ, એક નાની સ્ટીલની કાતર,કલરની ડબ્બી, સ્પ્લેન્ડર પ્લસ બાઈક તેમજ એક મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા ૧૯૧૩૬નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો.ઉલ્લેખનીય છે કે આરોપી દંપતી અમદાવાદથી જ બનાવટી ચલણ લાવ્યા હોવાનું ભરૂચ એસઓજી પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. અને એસઓજીએ અમદાવાદ સુધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks