અંકલેશ્વર, તા.૩
અંકલેશ્વરમાં શંકરસિંહ વાઘેલાનો સજ્જડ વિરોધ કોંગ્રેસી કાર્યકરોએ નોંધાવ્યો હતો. જનવિકલ્પ યાત્રાના કાફલાને ઘેરાવો કરી કાળા વાવટા ફળકાવ્યા હતા. કાફલામાં રહેલા બાઉન્સરોએ દંડો ઉગામાતા કોંગ્રી કાર્યકરોમાં રોષ ફેલાયો હતો. પોલીસ અને કાર્યકરો વચ્ચે ઝપાઝપીના દૃશ્યો વચ્ચે શંકરસિંહ બાપુ નીચે ઉતરી માત્ર હરતોલાં કરી રવાના થઇ ગયા હતા. મીડિયા સાથે વાતચીત કરવાનું પણ ટાળ્યું હતું.
રાજ્યભરમાં ભાજપ આને કોંગ્રેસના વિકલ્પ રૂપે નવો પક્ષ લઇ જન સંકલ્પ યાત્રા લઇ નીકળેલા શંકરસિંહ બાપુ હાંસોટથી અંકલેશ્વર આવતા જ અંકલેશ્વર ત્રણ રસ્તા ખાતે તેમનું સ્વાગત કરવા ઉભેલા ટેકેદારો વચ્ચે યુથ કોંગ્રેસ, તાલુકા કોંગ્રેસ, તેમજ શહેર કોંગ્રેસના કાર્યકરોએ સજ્જડ વિરોધ નોંધાવતા બાપુના કાફલાને ઘેરાવો કરવાનો પ્રયત્ન કરી કાળા વાવટા ફરકાવ્યા હતા. એટલું જ નહીં બાપુ તેરા ક્યાં ભરોસાના નારા બોલાવી સજ્જડ વિરોધ નોંધાવ્યો હતો. બાપુને એક તરફ તેમના સમર્થકો ફૂલહાર પહેરાવી રહ્યા હતા ત્યાં કોંગ્રેસી કાર્યકરો વચ્ચે પોલીસનો પકડાપકડીનો દાવ શરૂ થયો હતો. સજ્જડ વિરોધ નજરે પડતા જ શંકરસિંહ બાપુ કાફલાના બાઉન્સરો દડો લઈ નીચે ઉતારી આવી દંડો બતાવતા કોંગી કાર્યકરો વિફર્યા હતા અને સામે થયા હતા. તો બીજી તરફ બાપુ યાત્રા અંગે પૂછતા જ કઈ પણ જવાબ આપવાનું ટાળી ત્યાંથી કાફલો બીજા રસ્તે આગળ ધપાવી દીધો હતો અને ભરૂચ જવા રવાના થયા હતા.
અંકલેશ્વરમાં શંકરસિંહ વાઘેલાનું સંજય પ્રજાપતિ અને દલપત આહીર તેમજ ટેકેદારો સ્વાગત કર્યું હતું. કોંગ્રેસપક્ષે તાલુકા કોંગ્રેસ પ્રમુખ ડૉ. જીતુભાઇ પટેલ, ઉપપ્રમુખ ઓમકારસિંહ મહારાવલજી, મ્યુ. સભ્ય યુનુસ શેખ, યુથ કોંગ્રેસ પ્રમુખ ભરત પરમાર, વિધાનસભા મહામંત્રી યુથ કોંગ્રેસ, સાહીલ ઝગડીયાવાલા, મનુ સોલંકી, અર્જુન વસાવા, ઈમ્તિયાઝ બાળવા, સહિત કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહી વિરોધ નોંધાવ્યો હતો. આ પ્રસંગે કાંગ્રેસ વિરોધ પ્રદર્શિત કરતા ઉપ પ્રમુખ ઓમકારસિંહ મહારાવલજી જણાવ્યું હતું કે જે ભાજપનો નહિ થયા કોંગ્રેસ નહીં થયા અને દરબાર જબાન પણ નહિ નિભાવી શક્યા એવા શંકરસિંહ બાપુ તમારો શું ભરોશો છે. જેનો પ્રચંડ વિરોધ રૂપે આજે કાળા વાવટા ફરકાવ્યા હતા.