(એજન્સી) નવી દિલ્હી, તા.૧પ
ઈદ પહેલા નોઈડા સ્થિત જે.પી. હોસ્પિટલમાં દોસ્તી અને ભાઈચારાની એક અનોખી મિશાલ જોવા મળી. અહીંયા એક હિન્દુ અને એક મુસ્લિમે એકબીજાને કિડની દાન કરી બંનેની જીંદગી બચાવી ડૉકટરોએ આ ઓપરેશન પાર પાડ્યું હતું. હિન્દુ દર્દીની પત્નીનું બ્લડ ગ્રુપ મુસ્લિમ દર્દી સાથે મેચ થતુ હતું તથા મુસ્લિમ દર્દીની પત્નીનું બ્લડ ગ્રુપ હિન્દુ દર્દી સાથે મેચ થતું હતું. જેથી ડૉકટરોએ દર્દીઓને એકબીજાની કીડની દાન કરવાની સલાહ આપી અને ભાઈચારાની મિશાલ જોવા મળી. કિડની ટ્રાન્સપ્લાન્ટથી હિન્દુ અને મુસ્લિમ બંને દર્દીઓના જીવન બચી ગયા અને સમાજને પ્રેરણાદાયક સંદેશ આપ્યો. કિડની સ્પેશિયાલીસ્ટ ડૉ. અમીત દેવરા, ડૉ. અગ્રવાલ, ડૉ. અનિલ ભટ્ટ, ડૉ. ભીમરાજ, ડૉ. રાસન પણ સામેલ હતા. બંને દર્દીઓને કીડનીની બિમારી જોવા મળી હતી. તેમને રીનલ અલોગ્રાફ્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે જે.પી. હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી સફળ રહી. સર્જરી બાદ બંને દાતાઓ અને દર્દીઓની તબિયત સારી હતી. દર્દી ઈકરામ અને અનીલને ૧ર દિવસ પછી રજા અપાઈ. હાઈ બ્લડ પ્રેસરથી ઈકરામ અને અનિલની કિડની ખરાબ થઈ ગઈ હતી. બંનેના પરિવારો સાથે અલગ અલગ બેઠક બાદ બંનેના પત્નીઓએ કિડની દાન કરવા અંગે સંમતિ આપી હતી. સફળ સર્જરી બાદ બંને દર્દીઓ સ્વસ્થ થઈ ગયા. હિન્દુ-મુસ્લિમ પરિવારે ભાઈચારાની લાગણી બતાવી ધર્મની રાજનીતિ કરનારાઓને ઠેંગો બતાવ્યો હતો.