કુઆલાલંપુર,તા.૧૦
આ મેચમાં કુલ ૨૦ રન બન્યા અને ૧૦ વિકેટો પડી ગઇ. ૧૧.૫ ઓવરની બોલિંગ થઇ. આ બધુ થયુ આઇસીસી વર્લ્ડ ટી-૨૦ એશિયા રિઝન્સ ક્વોલિફાયર્સના ગ્રુપ બીના મુકાબલામાં. આ મેચ રમાઇ મંગળવારે મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં.
મલેશિયાએ મ્યાનમારને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું. મ્યાનમારની હાલત ખુબ જ ખરાબ હતી. ૧૦.૧ ઓવરમાં ૯ રનના સ્કોર પર તેના ૮ બેટ્સમેન પેવેલિયન પહોંચી ગયા હતાં. તેના પછી વરસાદના કારણે રમત રોકાઇ ગઇ. ડાબા હાથના સ્પિનર પવનદીપ સિંહએ મ્યાનમારના પાંચ બેટ્સમેનોને પેવેલિયનમાં મોકલી દીધા. તેણે પોતાની ચાર ઓવરમાં માત્ર ૧ જ રન આપ્યો. મ્યાનમાર તરફથી તમામ રન સિંગલ્સમાં બન્યા અને અહિંયા સુધી કે તેમના છ ખેલાડીઓ તો ખાતું પણ ખોલાવી શક્યા નહી.
વરસાદ બાદ ફરીથી ગેમ શરૂ થઇ તો ડકવર્થ-લુઇસ-સ્ટર્ન નિયમ અનુસાર મલેશિયાને ૮ ઓવરમાં ૬ રનનો ટાર્ગેટ આપવામા આવ્યો. તેમની પણ શરૂઆત કંઇ સારી રહી નહી અને તેમના બંન્ને સલામી બેટ્સમેન પોતાના પ્રથમ બોલમાં જ આઉટ થઇ ગયા. તેમની વિકેટ પિયાંગ દનુએ લીધી.
આ પછી સુહાન અલાગર્થનમે મલેશિયાને ૧.૪ ઓવરમાં ૮ વિકેટથી જીત અપાવી દીધી.